દારૂની બાતમી પરથી ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દરોડો પાડવા ગયો પણ બુટલેગરે સ્નેહભાઇ ભાદરકા પર જીવલેણ હુમલો કર્યો હતો: રીમાન્ડની તજવીજ

આરોપી પોલીસ વચ્ચે સર્જાયા હતા ફિલ્મી દ્રશ્યો

શહેરનાં માંડાડુંગર માનસરોવર સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં અંગ્રેજી દારૂથી લોડેડ બોલેરો પીકઅપ વાહન પડયું હોવાની બાતમી પરથી દરોડો પાડવા ગયેલી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના પોલસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરનાર બાબરાના દરેડ ગામના બુટલેગરને દબોચી લઇ પોલીસે તપાસ શરુ કરી છે.

આ બાબતે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી. બસીયા દ્વારા પી.આઇ. વી.કે.ગઢવી  પીએસઆઇ વી.જે. જાડેજા, એચ.બી. ધાંધલીયા, વિગેરે સ્ટાફની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દારૂ દરોડા સમયે બાબરા તાલુકાના દરેડ ગામના આહિર રમેશ રાણા ગરૈયાએ દારૂ ભરેલી બોલેરો પુરપાટ ભગાવી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ સ્નેહભાઇ ભાદરકાને બોલેરોમાંથી પછાડી દઇ મારી નાખવાના ઇરાદે બોલેરો ફુલસ્પીડમાં ચલાવી સ્નેહભાઇને નાક પર ફેકચર જેવી ઇજા કરી હતી. એટલું જ નહી બોલેરો ચાલક આરોપીએ પોલીસના ખાનગી વાહન સાથે બોલેરો અથડાવી રૂ. ૨૦ હજારનું નુકશાન કર્યુ હતું.

બીજી બાજુ નાસી છુટેલો રમેશ રાણા દરેડ (જી. અમરેલી)ની લીમ વિસ્તારમાં રખડતો હોવાની પીએમઆઇ એચ.બી. ધાંધલ્યાને બાતમી મળતા પોલીસે ત્યાં પહોંચી રમેશને દબોચી લીધો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બનાવ સમયે પોલીસે દારૂની ૮૧ બોટલ (ત્રણ બોટલ કુટેલી) ૧૩૯ ટીન બીયર અને જીજે ૦૭ વાયઝેડ ૨૨૩૬ નંબરની બોલેરો સહીત રૂા ૩,૪૨,૨૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પણ ચાલક રમેશ રાણા ગેરૈયા નાસી ગયો હતો. જેને આજે ઝડપી લેવાયો હતો. પોલીસે કહ્યું કે રમેશ અગાઉ બાબરા, કોટડા સાંગાણી, અને વિછીયા પોલીસમાં પશુની હેરાફેરી અને કતલખાને ધકેલવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના સબબ સંડોવાગયેલો છે હાલ રમેશની વધુ પુછપરછ હાથ ધરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.