વણપરી ટોલનાકાના સીસીટીવી ફુટેજ, સ્વીફટના નંબર, લૂંટારાના વર્ણન અને અગાઉ પકડાયેલા શખ્સોની યાદી તૈયાર કરાઇ
જામનગરથી રાજકોટ આવી રહેલી આર.સી.આંગડીયા પેઢીની કારને ધ્રોલના જાયવા પાસે આંતરી રૂ.૫૨ લાખની થયેલી દિલધડક લૂંટનો ભેદ ઉકેલવા પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વણપરી નજીક આવેલા ટોલનાકાના સીસીટીવી ફુટેજ, કારના નંબર, આંગડીયા કર્મચારીએ જણાવેલા લૂંટારાના વર્ણન અને અગાઉ પકડાયેલા લૂંટારાની યાદી તૈયાર કરી પોલીસે તપાસ હાથધરી છે.
જામનગર ખાતેની આર.સી.આંગડીયા પેઢીના કર્મચારી હસમુખ મોહન કોડીયા અને મારૂતિ સિયાઝ કારના ડ્રાઇવર વિરમ લાખા ભરવાડ રૂ.૫૨ લાખની રોકડ સાથે રાજકોટ આવી રહ્યા હતા ત્યારે આંગડીયા પેઢીની જી.જે.૩એચઆર. ૬૨૧૦ નંબરની કારને ધ્રોલના જાયવા પાસે મારૂતિ સ્વીફટમાં આવેલા લૂંટારાઓએ આંતરી બે શખ્સો આંગડીયા પેઢીની કારમાં બેસી આંગડીયા પેઢીના કર્મચારી હસમુખભાઇ કોડીયાના લમણે રિવોલ્વર તાકી કારને લતીપર રોડ પર લઇ ગયા હતા.
બંને લૂંટારાઓએ હસમુખભાઇ કોડીયા અને ડ્રાઇવર વિરમભાઇ ભરવાડ પર છરીથી હુમલો કરી આંગડીયા પેઢીની કાર લઇ ભાગી ગયા હતા. બંને લૂંટારાઓએ કારને લતીપર રોડ પર પીયાવા ચોકડી પાસે રેઢી મુકી રૂ.૫૨ લાખની રોકડ સાથેનું પાર્સલ લઇ પાછળ આવી રહેલી અન્ય કારમાં બંને લૂંટારા બેસી ભાગી ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આંગડીયા લૂંટની ઘટનાના પગલે રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્રોલ દોડી ગયા હતા. પોલીસની તપાસ દરમિયાન લૂંટારાઓએ રેકી કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.
લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા જામનગર જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન મા‚તિ સ્વીફટ રાજકોટ પાસીંગના નંબર હોવાથી પોલીસની એક ટીમ રાજકોટ આરટીઓમાં દોડી આવી હતી. જ્યારે એક ટીમ દ્વારા વણપરી ટોલનાકા પર સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. જ્યારે ધ્રોલ પોલીસે આંગડીયા પેઢીના બંને કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા લૂંટારાના વર્ણનના આધારે અગાઉ પકડાયેલા લૂંટારાઓના ફોટા બતાવવામાં આવ્યા હતા.
આમ છતાં લૂંટમાં આંગડીયા પેઢીના કર્મચારીઓની જ સંડોવણી હોવાની શંકા સાથે આર.સી.આંગડીયા પેઢીમાંથી તાજેતરમાં જ કોઇ કર્મચારી છુટા થયા છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.