મોટેથી મ્યુઝિક વગાડવા બદલ ડીજેની ધરપકડ: રૂ. 5 લાખનો મુદ્દામાલ જપ્ત
ઘણીવાર લગ્ન પ્રસંગ કે ધાર્મિક કાર્યક્રમોમાં ખૂબ મોટેથી ગીતો વગાડવામાં આવતા હોય છે તેમાં પણ ખાસ રાત્રીના સમયે જ્યારે આ પ્રકારે ડીજે વગાડવામાં આવે ત્યારે આસપાસના લોકોની શાંતિ હણાતી હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા મોટેથી ડીજે વગાડવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
સેટેલાઇટ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરે મંગળવારે મોડી રાત્રે સેટેલાઇટના આશાવરી ટાવર પાસે મોટા અવાજે મ્યુઝિક વગાડવા બદલ ડિસ્ક જોકી (ડીજે) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને રૂ. 5 લાખ રૂપિયાના સાધનો જપ્ત કર્યા હતા.
સેટેલાઇટ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર ડી એ રાઠોડે તેમની એફઆઇઆરમાં જણાવ્યું હતું કે, તેઓ અને અન્ય બે પોલીસ કર્મીઓ સેટેલાઇટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓ મોટા અવાજે સંગીત વગાડતા ધાર્મિક સરઘસ પાસે આવ્યા હતા.
તેમણે કહ્યું કે, મોટા અવાજે સંગીત વગાડવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા 19 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનું ઉલ્લંઘન થાય છે. તેમણે કહ્યું હતું કે ડીજે વિસ્તારના લોકોને પરેશાન કરતો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સેટેલાઇટ પોલીસે ડીજે સચિન દંતાણી વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના ઉલ્લંઘન બદલ ગુનો નોંધ્યો હતો અને 14 સ્પીકર્સ અને જનરેટર જપ્ત કર્યા હતા જેની કુલ કિંમત રૂ. 5 લાખ છે.