પાકિસ્તાન સાથે હવે કાશ્મીર મુદ્દે નહીં ‘પીઓકે’ મુદ્દે ચર્ચા થશે: જયશંકરની સ્પષ્ટ વાતથી આગામી સમયમાં મોદી સરકાર ‘પીઓકે’ને પાક.નાં કબજામાંથી છોડાવે તેવી સંભાવના
વિદેશમંત્રી એસ.જયશંકરે આપેલા એક મોટા નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર પીઓકે ભારતનો હિસ્સો છે. આશા કરીએ છીએ એક દિવસ ભારતનાં ભૌતિક અધિકાર હેઠળ હશે. વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, પીઓકે અમારી નજરમાં જ છે અને હંમેશા રહેશે કે એ ભારતનો જ ભાગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારનું કહેવાનું છે કે, હવે પાકિસ્તાન સાથે યુદ્ધ થશે તો તે પીઓકે પર થશે અને કાશ્મીર ઉપર નહીં થાય આવું નિવેદન ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પણ અગાઉ આપી ચુકયા છે. જયશંકરે મંગળવારે કાશ્મીરની સ્વાયતતા ખતમ કર્યા બાદ કાશ્મીર અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હવે કાશ્મીરની વાતચીત કરવાનો સમય વિતી ચુકયો છે. હવે જે કંઈ વાત થશે તે પીઓકે ઉપર જ થશે. એક દિવસ પીઓકે પર સંપૂર્ણપણે આપણો કબજો હશે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ લોકસભામાં બોલતી વખતે પીઓકે ભારતનો અભિન્ન અંગ હોવાનું જણાવી કલમ-૩૭૦ દુર કરવાની વાત સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, આપણું લક્ષ્ય છે પીઓકે. રાજનાથસિંહ, વેકૈયા નાયડુ, જીતેન્દ્રસિંહ સહિતનાં વરિષ્ઠ નેતાઓએ પીઓકે અંગે એક સમાન મંતવ્ય વ્યકત કર્યા હતા. ૬ ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનો આંતરિક ભાગ છે. અને હું જયારે જમ્મુ-કાશ્મીરની વાત કરતો હોય ત્યારે તેમાં પીઓકે અને અકસાઈ ચીન પણ સામેલ હોવાનું ગણી જ લેવું. ૧૮ ઓગસ્ટનાં દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર પીઓકે ઉપર જ થશે. જયારે ૧૯ ઓગસ્ટનાં દિવસે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ભારત હવે એકમાત્ર પીઓકેની મુકિત માટે જનવિચાર સાથે આગળ વધી રહ્યું છે.
૨૮ ઓગસ્ટનાં દિવસે ઉપરાષ્ટ્રપતિ વકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે એક જ મુદાની વાતચીત કરવાનું બાકી રહ્યું છે અને તે પાક કબજાગ્રસ્ત કાશ્મીરનો શેષ બાકી રહેલો ભાગ ભારતને કયારે પાછો આપે છે. સંયુકત રાષ્ટ્રનાં સંયુકત સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં ઈમરાન ખાનના સંબોધનમાં કાશ્મીરની સ્વાયતતાની સમાપ્તી અને જમ્મુ-કાશ્મીરનાં ભાગ કરવાની બાબત અંગેનાં નિર્ણય ભારતનો આંતરિક નિર્ણય હોવાનો સ્પષ્ટપણે પ્રસ્થાપિત કરવાનો વિદેશમંત્રી તખ્તો ગોઠવી રહ્યા છે. જયશંકરે વધુમાં કહ્યું હતું કે, કાશ્મીરનો વિશેષ દરજજો સમાપ્ત કરવાનો મુદ્દો હવે છે જ નહીં હવે તો પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરની મુકિત એક જ માત્ર મુદ્દો બાકી રહ્યો છે. વિદેશમંત્રી જયશંકરે સરકારનાં ૧૦૦ દિવસનાં શાસનમાં લેખાઝોખા સાથે કાશ્મીર અંગે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પર હવે માત્રને માત્ર પીઓકેની મુકિત માટેનું જ દબાણ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં વિશેષ દરજજાની સમાપ્તિ કરી કાશ્મીરમાંથી આતંકનો સંપૂર્ણ સફાયા બાદ હવે પીઓકેની મુકિત પર આગળ વધીએ.
જયશંકરે ઉમેર્યું હતું કે, પાકિસ્તાને હવે જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તવુ જોઈએ. કાશ્મીરનાં લોકોની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. કાશ્મીરમાં ભારતની સ્થિતિ ૧૯૭૨થી ખુબ જ સારી છે. કલમ-૩૭૦ની સમાપ્તિએ કોઈ રાજદ્વારી મુદ્દો નથી. મુખ્ય મુદ્દો આતંકવાદ છે. તમે જ કહો કે કોઈ પાડોશી રાષ્ટ્ર તેની વિદેશ નીતિનાં ભાગરૂપે પડોશમાં આતંકવાદ ફેલાવે તો કેવું લાગે અમારી સ્થિતિ આદર્શ રાષ્ટ્ર તરીકેની સામાન્ય છે ત્યાં તકલીફ છે. ખરેખર ત્યાં આતંક સામેની કાર્યવાહીની કોઈ તજવીજ થતી જ નથી. પાકિસ્તાનની આતંકી પ્રવૃતિઓ અને સીમાપારનાં આતંકવાદ અંગે એકપણ દેશ કંઈ બોલી શકે તેમ નથી. બીજી તરફ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનનાં પ્રવકતા જયશંકરનાં પીઓકે પરનાં નિવેદનને ઉશ્કેરણીજનક અને બેજવાબદાર ગણતા જણાવ્યું હતું કે, ભારત વિશ્ર્વનું ધ્યાન કાશ્મીરની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્યત્ર ખસેડવાની પૈરવી કરી રહ્યું છે. આવી ટીપ્પણી વિશ્ર્વનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની શાંતી અને સમગ્ર પ્રદેશની સુરક્ષા માટે જોખમી પરિસ્થિતિ ઉભી કરી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમાં જણાવ્યું હતું કે, ભારત એક દિવસ પાક કબજાગ્રસ્ત કાશ્મીરનો સંપૂર્ણપણે કબજો લઈ લેશે. તેમણે જણાવ્યું હતું કે, હવે કાશ્મીરનાં વિશેષ દરજજાની સમાયતનો મુદ્દો પાકિસ્તાન સાથે ચર્ચા કરવાનો વિષય જ નથી રહ્યો. હવે કયારેય જો કોઈ ચર્ચા થશે તો પણ તે માત્રને માત્ર પાક કબજાગ્રસ્ત કાશ્મીરનો પાકિસ્તાનને કબજો છોડવાનો જ મુદ્દો હશે.