રવાપર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીની મહિલાઓ દ્વારા એ ડિવિઝન પોલીસને રજુઆત
મોરબી : ધુળેટીના તહેવારમાં આવારા તત્વો દ્વારા બહેનો દીકરીઓને કલર ઉડાવી છેડતી કરાતી હોય રવાપર રોડ વિસ્તારની જુદી – જુદી સોસાયટીની મહિલાઓ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઇ આવારા, રોમિયો તત્વોને તહેવાર ઉપર ઝેર કરવા પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ અવની પાર્ક, જયરાજ પાર્ક, શાસ્ત્રીનગર, વિશ્વકર્મા સોસાયટી સહિતના વિસ્તારોની મહિલાઓ એ ડિવિઝન પોલીસ મથકે જઇ રજુઆત કરતા જણાવ્યું હતું કે હોળી, ધૂળેટી પર્વે આ વિસ્તારમાં આવારા, રોમિયો તત્વો દ્વારા મટોડી કલર જેવા પદાર્થ ઉડાવી મહિલાઓ અને દીકરીઓની પજવણી કરતા હોય જાહેરમાં કલર ફેકવાની પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ પગલાં ભરવા માંગણી કરી તહેવારના દિવસોમાં આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી.
વધુમાં જાહેરમાં કલર ઉડાવવાને પગલે ઘણી વખત જાહેરમાં માથાકૂટ પણ થતી હોવાના બનાવો બનતા હોય રજુઆત કર્તાઓ દ્વારા ધુળેટીના દિવસે પોલીસ પેટ્રોલિંગ વધારી જાહેરમાં કલર ઉડાવવાથી કોઈ ને હેરાન ગતિ ન થાય તે જોવા માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રવાપર રોડ વિસ્તારના બહેનો દ્વારા બાદમાં પાલિકા કચેરીએ જઇ ગંદકી, મચ્છરના ઉપદ્રવ અને પાણી ભરવાની સમસ્યા ઉકેલવા રજુઆત કરી હતી.