નવા વિસ્તારોના વિકાસ માટે રૂા.49 કરોડ: પુનિતનગર ચોકમાં બનશે બ્રિજ
જામનગર રોડ પર સાંઢીયા પુલ ખાતે અને પીડીએમ ફાટક પાસે બ્રિજ બનાવવા પ્રી-ફિઝિબીલીટી રિપોર્ટ તૈયાર કરાશે
વર્ષ -2020માં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા, ઘંટેશ્ર્વર અને મનહર (પાર્ટ) ભળ્યા છે. જેનો સમાવેશ શહેરના અલગ-અલગ વોર્ડમાં કરવામાં આવ્યો છે. રાજકોટની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. આવામાં નવા નાણાંકીય વર્ષના બજેટમાં નવા ભળેલા વિસ્તારોના વિકાસ માટે રૂા.49.17 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના 150 ફૂટ રીંગરોડ પર પુનિતનગર ચોકમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની પણ ઘોષણા કરવામાં આવી છે. જામનગર રોડ સાંઢીયા પુલ ખાતે પીડીએમ રેલવે ફાટક પાસે બ્રિજ બનાવવા માટે પ્રી-ફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટ મહાપાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારોમાં પાણીની સુવિધા માટે રૂા.41.67 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નવા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક માટે રૂા.5 કરોડ અને બાંધકામ માટે રૂા.2.50 કરોડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પુનિતનગર ચોક ખાતે ટુ બાય ટુ લેન્થ ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે બજેટમાં 33 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર રોડ પર હયાત સાંઢીયો પુલ જર્જરિત થઇ ગયો છે. ક્ધસલ્ટન્ટના અભિપ્રયા મુજબ આ પુલની કોડલ લાઇટ પૂર્ણ થઇ ગઇ હોવાના કારણે નવો પુલ બનાવવાની જરૂરીયાત છે જેને ધ્યાનમાં રાખી આગામી વર્ષમાં હવે પ્રી-ફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવા અને ખર્ચનું પ્રાથમિક એસ્ટીમેન્ટ બનાવવામાં આવશે. જ્યારે ગોંડલ રોડ અને ઢેબર રોડ વચ્ચે પીડીએમ ફાટક ખાતે ટ્રાફીકનું ભારણ હળવું કરવા માટે અહીં બ્રિજનું નિર્માણ શક્ય છે કે કેમ તે અંગે સર્વે કરવામાં આવશે.
વાસ્તવિક બજેટ આપવાનો અને જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરવા પર વધુ ભાર
ટેક્સની આવકમાંથી હવે પગાર ખર્ચ પણ નહીં નીકળે, ગ્રાન્ટમાં વિલંબ થતા વિકાસ ઓક્સિજન આવી જશે
વર્ષ-2022-23ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા વાસ્તવિકતા પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વર્ષોેથી ફાઇલોમાં રહેલા પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તાકાત ન હોવા છતાં કોર્પોરેશનના બજેટના કદમાં વળલખી પરંપરા મુજબ વધારો કરવામાં આવ્યો છે. ખીસ્સા અર્થાત્ હાલ સંપૂર્ણપણે તળીયા ઝાંટક છે છતાં સપનાઓ બહુ મોટા-મોટા જોવામાં આવી રહ્યા છે. આ વર્ષે ટેક્સની આવકમાંથી હવે પગાર ખર્ચ પણ નીકળે તેમ નથી. વિકાસ સંપૂર્ણપણે ગ્રાન્ટ પર નિર્ભર થઇ જશે. જો અપેક્ષા મુજબ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણીમાં વિલંબ કરવામાં આવશે તો વિકાસ ઓક્સિજન પર આવી જશે.
નવા નાણાંકીય વર્ષના બજેટ કોઇ મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવી નથી. એક બ્રિજ નવા, નવા વિસ્તારોના વિકાસ માટે માતબર રકમની ફાળવણી જેવી અમુક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બાકી બજેટમાં જૂની યોજનાઓની નવા વાઘાઓ પહેરાવી રજૂ કરી દેવામાં આવી છે. વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહાપાલિકાની તાકાત માત્ર 1500 થી 1800નું બેજટ આપવાની જ છે. પરંતુ દર વર્ષે બજેટના કદમાં વધારો કરવો તેવી પરંપરા બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
ચાલુ નાણાંકીય વર્ષમાં પણ નાણાં અભાવે કેટલાક પ્રોજેક્ટ મંદ ગતિએ ચાલી રહ્યા છે. બજેટમાં રાજકોટવાસીઓને આંખમાં સ્માર્ટ સપના ચોક્કસ આંજવામાં આવ્યા છે પરંતુ તે સાકાર થશે કે કેમ તે કહેવું મુશ્કેલ બની જશે. નાણાંના અભાવે કેટલીક યોજનાઓ ફાઇલમાંથી બહાર નીકળી શકતી નથી. આ વર્ષે પર સીલસીલો યથાવત રહે તેવું લાગી રહ્યું છે.
મહિલા કર્મચારીઓ માટે ઘોડિયા ઘરની સુવિધા
કર્મચારીઓને ટેન્શનમુક્ત રાખવા મોટીવેશનલ, રમત ગમત અને ટ્રેનિંગ વર્કશોપ સહિતના ખાસ કાર્યક્રમો
રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની સગવડતા અને સુગમતા માટે ઓફિસ કેમ્પસમાં ઘોડીયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સુવિધા ઉપલબ્ધ બનતા મહિલા કર્મચારીઓના નાના બાળકોની સારી રીતે દેખભાળ થઇ શકશે. બીજી તરફ રાજકોટના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તણાવમુક્ત રહી કાર્ય કરી શકે તે માટે એક ખાસ પ્રકારનું પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે. જેમાં વિવિધ રચનાત્મક પ્રવૃતિ, રમતગમતની પ્રવૃતિઓ તથા ટ્રેનિંગ વર્કશોપ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પોલીસ દ્વારા ઘોડીયા ઘર શરૂ કરવામાં આવ્યુ છે.
પ્રથમવાર કોર્પોરેશન દ્વારા બજેટમાં કર્મચારી વેલફેરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલા કર્મચારીઓ માટે નાના બાળકોને સાર-સંભાળ લેવા માટે ઘોડીયા ઘર ઉપરાંત એપ્લોઇઝ ટ્રેસ રિડેક્શન પ્રોગ્રામની ઘોષણા કરવામાં આવી છે. હાલ મહિલા કર્મચારીઓએ પોતના નાના બાળકોને ઘરે બીજાના ભરોસે રાખીને નોકરીએ આવું પડે છે. ઘણીવાર બાળકો બિમાર હોય ત્યારે ચિંતાજનક માહોલમાં મહિલા કર્મચારીએ ફરજ અદા કરવી પડતી હોય છે. હવે મહાપાલિકામાં પણ મહિલા કર્મચારી માટે ઘોડીયા ઘરની વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખરેખર ખૂબ જ પ્રશંસાનો પાત્ર છે.
એડવાન્સ ટેક્સ ભરનાર પ્રામાણિક કરદાતાઓને વેરામાં મળશે વળતર
એપ્રિલ-મેમાં વેરો ભરનાર 10 ટકા અને જૂનમાં વેરો ભરનારને 5 ટકા વળતર આપવાની દરખાસ્ત
વર્ષ-2022-23ના બજેટમાં ટેક્સનો રૂા.340 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દર વર્ષે માત્ર 3 મહિના ચાલતી વેરા વળતર યોજનામાં પ્રામાણિક કરદાતાઓ 50 ટકા ટેક્સનો લક્ષ્યાંક પૂરો કરી દેતા હોય છે. નવા નાણાંકીય વર્ષમાં પણ અર્લી બર્ડ ડીસ્કાઉન્ટ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં એપ્રિલ અને મે માસ દરમિયાન એડવાન્સ ટેક્સ ભરપાઇ કરનાર પ્રામાણિક કરદાતાને વેરામાં 10 ટકા વળતર આપવામાં આવશે. જો મહિલાઓના નામે મિલકત નોંધાયેલી હશે તો વેરામાં 15 ટકા વળતર મળશે. જૂન માસ દરમિયાન વળતર યોજના અંતર્ગત 50 ટકા વળતર જ મળશે. જેમાં એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાને 5 ટકા અને મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં 10 ટકા વળતર આપવામાં આવશે. જો કોઇ વ્યક્તિ ડીઝીટલ પેમેન્ટ કરશે તો તેને 1 ટકો વધારાનો વળતર અપાશે.
મોટા મવામાં 200 મેટ્રીક ટનની કેપેસિટીવાળુ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવાશે
મહાપાલિકાના હદમાં ભળેલા 5 ગામોમાં હાલ 13 મીની ટીપર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં 8 ટીપરવાનનો વધારો કરવામાં આવશે. જેના માટે બજેટમાં રૂા.1.20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા મવા ખાતે નવું સેમી ક્લોઝ્ડ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવશે જેની ક્ષમતા દૈનિક 200 મેટ્રીક ટનની રહેશે. સિવિલ વર્ક્સ અને વાહન ખરીદી સાથે આ સેમી ક્લોઝ્ડ સ્ટેશન બનાવવા માટે બજેટમાં રૂા.16.48 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મોટા મવામાં કુલ 60 સફાઇ કામદારો, મુંજકામાં 55 સફાઇ કામદારો, ઘંટેશ્ર્વરમાં 28 સફાઇ કામદારો, માધાપરમાં 65 સફાઇ કામદારો સહિત કુલ 248 સફાઇ કામદારો દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. જેને વધુ સઘન બનાવવા માટે બજેટમાં 2.12 લાખની જોગવાઇ કરવામાં આવી રહી છે.
વોર્ડ નં.1, 3, 6, અને 17માં બનશે કોમ્યુનિટી હોલ
કોમ્યુનિટી હોલના નિર્માણ માટે બજેટમાં કરાઇ રૂા.5.31 કરોડની જોગવાઇ
શહેરીજનોની સુખાકારી માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વોર્ડ અને વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના વોર્ડ નં.1, 3, 6 અને 17માં લોકોને લગ્ન-પ્રસંગ અને અન્ય સારા-માઠા પ્રસંગો માટે જગ્યા શોધવા માટે દૂર સુધી જવું ન પડે તે માટે આ ચાર વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે બજેટમાં રૂા.5.31 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બીજી તરફ હાલ જે આંગણવાડીઓ ભાડાના મકાનમાં બેસે છે તેને મહાપાલિકા પોતાના મકાનમાં શિફ્ટ કરવા માટે બજેટમાં રૂા.4.50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
વોર્ડ નં.18માં કોઠારીયા ગામ તળમાં નવું ઇલેક્ટ્રીક સ્મશાન બનશે
ઇલેક્ટ્રીક સ્મશાન બનાવવા માટે રૂા.3.50 કરોડની જોગવાઇ રૈયાગામમાં ગેસ આધારિત સ્મશાનનું કામ ટૂંકમાં પૂર્ણ
શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.18માં નવા ભળેલા વિસ્તાર કોઠારીયાના ગામ તળમાં 3.50 કરોડના ખર્ચે નવું ઇલેક્ટ્રીક સ્મશાન બનાવવાની ઘોષણા આજે બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત રૈયાગામ પાસે ઇલેક્ટ્રીક અને ગેસ આધારિત સ્મશાન બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. જે પૂર્ણ તથા પશ્ર્ચિમ ઝોન વિસ્તારના વોર્ડ નં.1, 9 તથા નવા ભળેલા મુંજકા, ઘંટેશ્ર્વર અને માધાપર સહિતના વિસ્તારના લોકોને ઉ5યોગી થશે.
લોજીસ્ટીક કોરીડોરના ડેવલપમેન્ટ માટે રૂા.40 કરોડ ફાળવાયા
કોર્પોરેશન અને રૂડાની હદમાં આવતા ઘંટેશ્ર્વરથી કાલાવડ રોડ, કાલાવડ રોડથી ગોંડલ રોડ ચોકડી અને ભાવનગર રોડથી કુવાડવા રોડને જોડતાં રીંગરોડ-2નું કામ પૂર્ણ કરાશે
રાજકોટ મહાનગર પાલિકા તથા રૂડાની હદમાં આવતા ઘંટેશ્ર્વરથી કાલાવડ રોડ, કાલાવડ રોડથી ગોંડલ ચોકડી નેશનલ હાઇવે, નેશનલ હાઇવેથી ભાવનગર રોડથી માલિયાસણ પાસે કુવાડવા રોડને જોડતા 41 કિલોમીટરના રીંગરોડ-2 પૈકીના 2.5 કિમી રોડને સ્માર્ટ સિટી દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. બાકી રહેતા 38.58 કિમી પૈકી 8 કિમીનો રોડ મહાપાલિકાના હદમાં અને 30.58 કિમીનો રોડ રૂડાની હદમાં આવે છે. આ રસ્તાને સરકારની ખાસ સહાય લોન અંતર્ગત ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર આ માટે ખાસ સહાય આપશે તેવી અપેક્ષા રાખી 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રામનાથ મહાદેવ મંદિર ડેવલોપમેન્ટ માટે રૂપિયા 10 કરોડની જોગવાઇ
આજી નદીના કાંઠે બિરાજતા રાજકોટના ગામ દેવતા શ્રીરામનાથ મહાદેવ મંદિર લોકોની આસ્થાનું અનુપમ પ્રતિક છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આ મંદિરના નવનિર્માણનું કામ જિલ્લા કલેક્ટર પાસેથી લઇ મહાપાલિકાને સુપરત કરવામાં આવ્યું છે. રામનાથ મહાદેવ મંદિરના નવનિર્માણ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે કોર્પોરેશનના નવા બજેટમાં 10 કરોડ રૂપિયાની માતબર જોગવાઇ કરવામાં આવી છે. ટૂંક સમયમાં મંદિરના ડેવલોપમેન્ટની નવી ડીઝાઇન તૈયાર કરવામાં આવશે.
મેયરના વોર્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા 20 કરોડ ફાળવાયા
મેયર ડો.પ્રદિપ ડવના મતવિસ્તાર એવા વોર્ડ નં.12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સ્પોટ્સ કોમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમ બાસ્કેટ બોલ, બેડમિન્ટન, ટેનિસકોર્ટ, સ્કવોસ તિરંનદાજી શૂટિંગ રેન્જ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. જ્યારે કોમ્પ્લેક્સના ગાઉનમાં આઉટ ડોર ટેનિસ કોર્ટ, વોલીવોલ સ્કવોસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બે વર્ષમાં તૈયાર થઇ જશે. ટૂંકમાં ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે.
વેસ્ટ ઝોનમાં નવું ચાર્જીંગ સ્ટેશન 50 સીએનજી બસ ખરીદાશે
કોર્પોરેશનની રાજકોટ રાજપથ લીમીટેડ કંપની દ્વારા 100 ઇલેક્ટ્રીક બસ ખરીદવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાલ શહેરના 80 ફુટ રોડ પર આજી શહેરી ડેપો ખાતે 50 ઇલેક્ટ્રીક બસના ચાર્જીંગ માટેનું સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. વેસ્ટ ઝોનમાં નવું ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેના માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. બીજો ઇ-બસ ડેપો બનાવવા માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હાલ લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે 50 નવી સીએનજી બસ મુખ્યમંત્રી બસ યોજના અંતર્ગત ખરીદ કરવામાં આવશે. સીએનજી બસના ઉપયોગથી પ્રદૂષણમાં ઘટાડો થશે. આ માટે બજેટમાં 4.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઇ-ઓટો પાઇલોટ પ્રોજેક્ટની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.