ઉજ્જવલા યોજનાનાં બીજા તબકકામાં રાંધણગેસના બાટલાની સાથે ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં ગરીબોને પીએનજી કનેકશન
રાજયમાં ગરીબ કુટુંબોને ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણગેસ કનેકશન અપાયા બાદ હવે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જ સ્વચ્છ ઈંધણ માટે ઉજ્જવલા યોજનાનો બીજો તબકકો શરૂ કરવા નકકી કર્યું છે. જે અંતર્ગત ગરીબ લાભાર્થીઓને રાંધણ ગેસના બાટલાથી સાથે-સાથે જે-તે વિસ્તારમાં પીએનજી કનેકશન ઉપલબ્ધ હોય તેવા કિસ્સામાં પીએનજી કનેકશન પણ આપવામાં આવશે તેવું પુરવઠા વિભાગના ટોચના સુત્રોએ જણાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા સ્વચ્છ ઈંધણ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં ગરીબ કુટુંબોને ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણગેસના કનેકશનો આપ્યા હતા. જે અંતર્ગત રાજકોટ શહેર-જિલ્લામાં ૩૫૦૦થી ૪૦૦૦ કુટુંબોને આ યોજનાનો લાભ મળ્યો હતો. દરમિયાન ગ્રામ સ્વરાજ પખવાડિયાની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં હાલ ત્રણ તાલુકાના ત્રણ પસંદગીના ગામોમાં ઉજ્જવલા યોજના અંતર્ગત બાકી રહી ગયેલા લાભાર્થીઓને રાંધણગેસના કનેકશન આપવાનું શરૂ કરાયું છે.
વધુમાં પુરવઠા વિભાગના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજય સરકાર દ્વારા ઉજ્જવલા યોજના-૨ શરૂ કરવામાં આવશે અને આ બીજા તબકકામાં બાકી રહેતા ગરીબ કુટુંબોને રાંધણગેસના બાટલા ઉપરાંત જે-તે શહેર, જિલ્લા કે ગ્રામ્ય કક્ષાએ પીએનજી સુવિધા ઉપલબ્ધ હશે તેવા સ્થળોએ વસવાટ કરતા ગરીબ પરીવારોને પીએનજી કનેકશન પણ ઉજ્જવલા યોજના મારફતે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર દ્વારા ફકત રૂ.૧૦૦માં રાંધણગેસ કનેકશન આપવામાં આવે છે અને બાકીના નાણા રાંધણગેસની સબસીડીમાંથી વસુલ કરવામાં આવે છે. આ સંજોગોમાં હવે ગરીબો લાભાર્થીઓને રાંધણગેસના બાટલાની સાથે-સાથે પીએનજી કનેકશન આપવાનું શરૂ કરાશે તો અનેક લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com