ન્યુમોનિયા એ બેક્ટેરિયા, વાયરસ કે ફૂગના ચેપને કારણે થતી બળતરાયુક્ત શ્ર્વસન વિકૃત્તિ છે: આ સમસ્યાને કારણે વિશ્ર્વમાં દર વર્ષે આઠ લાખ બાળકોના મૃત્યુ થાય છે: જીવલેણ પણ અટકાવી શકાય તેવી અને સારવાર કરી શકાય તેવી શ્ર્વસન બિમારી છે
સમગ્ર વિશ્ર્વમાં 2009થી વિશ્ર્વ ન્યુમોનિયા દિવસ તેની ગંભીરતા સામે જનજાગૃત્તિ લાવવાના હેતુથી ઉજવાય છે. દર વર્ષે આઠ લાખથી વધુ મૃત્યુ આ સમસ્યાને કારણે વિશ્ર્વમાં થાય છે. ખાસ કરીને પાંચ વર્ષથી નીચેના બાળકોના મોટાભાગના મૃત્યુમાં આ જવાબદાર છે. આ એક ફેફ્સાનો રોગ છે, તેમાંના વાયુ કોષોમાં ચેપ લાગે, તેમાં ઓક્સિજનની પ્રક્રિયા ન થાય, ચેપ ફેફ્સામાં પ્રસરે, રસી થઇ શકે અને ખૂબ વધી જાય ત્યારે પ્રાણવાયુ લેવાની તકલીફ પડવા લાગે છે. બાળકો માટે આ સમસ્યા સૌથી ઘાતક બને છે.
ન્યુમોનિયાએ બેક્ટેરિયા, વાયરસ કે ફૂગના ચેપને કારણે થતી બળતરા યુક્ત શ્ર્વસન વિકૃત્તિ છે. આ સમસ્યા જીવલેણ છે, પણ તેને અટકાવી શકાય અને સારવાર કરી શકાય તેવી શ્ર્વસન બિમારી છે. આ વર્ષની ઉજવણી થીમમાં પણ દરેક શ્ર્વાસના મહત્વને પ્રકાશિત કરે છે, અને પ્રાથમિક તપાસ, સારવાર અને નિવારણ બાબતે પ્રકાશ ફેલાવે છે. આ રોગ અટકાવી શકાય તેવો હોવા છતાં તેના ચેપ ફેલાવાથી લાખો લોકો જીવ ગુમાવે છે, તેના કારણોમાં રસીકરણનો અભાવ અને લોકોમાં ઓછી જાગૃત્તિ મનાય છે. આની સમસ્યામાં ફેફ્સાની હવાની કોથળીઓને નબળી પાડે છે, જેને ‘એલ્વેઓલી’ કહેવાય છે. વિશ્ર્વભરમાં બાળકોના મૃત્યુના મુખ્ય કારણોમાં ન્યુમોનિયા મોખરે છે.
ન્યુમોનિયાએ બાળકો અને પુખ્ત વયના લોકો માટે સૌથી મોટો ચેપી કિલર છે. આજે સમગ્ર વિશ્ર્વમાં 100થી વધુ દેશો સાથે મળીને સમગ્ર વિશ્ર્વમાં તેની જાગૃત્તિ પ્રસરાવે છે. આ સમસ્યા માટે હવાનું પ્રદૂષણ મુખ્ય જોખમી પરિબળ ગણાય છે.
ઘરગથ્થુ વાયુ પ્રદુષણ એક મોટી સમસ્યા હોવાથી સમગ્ર વિશ્ર્વ તેને અંકુશ કરવા આજે કટીબધ્ધ છે. ન્યુમોનિયાના વિવિધ કારણોમાં ફેફ્સાનો ચેપ, વાયુ પ્રદુષણ, બેક્ટેરિયા, ફૂગ સહિત કુલ ત્રીસ અલગ-અલગ રીતે થઇ શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો જીવલેણ બની શકે છે.
હવાની ગુણવત્તા ન્યુમોનિયાને અસર કરે છે. બાળકોની આસપાસ ધૂમ્રપાન કરતાં મા-બાપો તેનો જીવ જોખમમાં મુકે છે. ઘર ગરમ હોય કે ખુલ્લી આગ પર રસોઇ કરતાં હોય તેવા સ્થળોએ નાના બાળકોને આ સમસ્યા થવાની વધુ શક્યતા હોય છે. સ્તનપાન ન્યુમોનિયાને રોકવામાં મદદ કરી શકે છે, જેમાં સ્તનપાન કરાવતા બાળકોમાં તેની માતાની રોગપ્રતિકારક શક્તિ હોવાથી અને માતાના દુધમાં પણ એવા પદાર્થો હોવાથી બાળકના નાક, ગળા અને ફેફ્સામાં તેનો ચેપ વધતો અટકાવે છે. આ વર્ષની થીમમાં પણ દરેક શ્ર્વાસના મહત્વની સાથે તેને રસ્તામાં જ રોકવાની વાત કરી છે. તેના સામાન્ય લક્ષણોમાં શ્ર્વાસ લેતી કે ઉધરસ વખતે છાતીમાં દુ:ખાવો, થાક, તાવ, પરસેવો, શરદી, ઉબકા, ઉલ્ટી, ઝાડા, શ્ર્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા જોવા મળે છે. આજના દિવસનું મહત્વ આ વૈશ્ર્વિક આરોગ્ય કટોકટી તરફ વિશ્ર્વનું ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.
ન્યુમોનિયાને રોકવા માટે રસીકરણએ સૌથી અસરકારક રીત છે. આજે વિકસતા મેડીકલ સાયન્સમાં ઘણી સમસ્યાની અક્સિર રસી આવી જતાં મૃત્યુદર ઘટાડી શકાયો છે. બાળકના જન્મથી શરૂ કરીને છ વર્ષ સુધી વિવિધ રસી મુકાવવી અતી જરૂરી હોય છે, જેને કારણે જ તમો તેના જીવ બચાવી શકો છો. ન્યુમોકોકલ અને ફ્લુની રસી બેક્ટેરિયલ અને વાયરસ ન્યુમોનિયાનું જોખમ ઘટાડે છે. સાબુથી નિયમિત હાથ ધોવાથી જંતુઓના ફેલાવાને રોકવામાં મદદ મળે છે.
પુરતી ઉંઘ, ફળો, શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર સંતુલિત આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખાસી-છીંક આવે ત્યારે મોં અને નાકને ઢાંકવાથી જંતુઓનો ફેલાવો રોકવામાં મદદ મળે છે. અસ્વસ્થ વ્યક્તિથી અંતર રાખવુ, ખાસ છીંક અને ઉધરસ વખતે શ્ર્વસન ચેપની તાત્કાલિક સારવાર કરવી અને હવા શુધ્ધ સાથે ઘરમાં પ્રોપર વેન્ટિલેશન રાખવું. શરીરમાં આવા લક્ષણો દેખાય તો ભૂલથી પણ તેને નજર અંદાજ ન કરવા. ન્યુમોનિયા જન્મેલા બાળકો, નાના બાળકો કે 65 વર્ષથી ઉપરના લોકો, નબળી રોગપ્રતિકારક શક્તિ વાળાને કે જેઓ પહેલાથી જ કોઇ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, તેને થવાની શક્યતા વધી જાય છે.
ઘણા જીવજંતુ ન્યુમોનિયા પેદા કરી શકે છે. પણ આપણે શ્ર્વાસ લેતા બેક્ટેરિયા અને વાયરસ સૌથી સામાન્ય છે. ન્યુમોનિયા એક કે બન્ને ફેફ્સાના સ્નાયુઓ પર થતો સોજો છે. વિશ્ર્વના 50 ટકાથી વધુ દેશોમાં તે થવાનું કારણ બેક્ટેરિયા છે, જે સ્ટ્રેપ્ટોકોક્સને લીધે થાય છે. તેના મુખ્ય પ્રકારોમાં બેક્ટેરિયલ, વાઇરલ અને ફૂગનો ન્યુમોનિયા હોય છે. આ સમસ્યાની જટિલતામાં ફેફ્સા ખવાઇ જવા, સેપ્ટીસેમીયા જેવી ગંભીર બીમારી થઇ શકે છે. હાલ શિયાળાના વાતાવરણમાં બાળકોની વિશેષ કાળજી લેવી જરૂરી છે.