સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જિલ્લાની ૬૭ બ્રાન્ચ આવરી લેવાશે
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને સુવિધા મળે તે માટે એક પછી એક વ્યવસ્થાઓ થઈ રહી છે. જેના અનુસંધાને હવે રાજકોટમાં જ પંજાબ નેશનલ બેંકની સર્કલ ઓફિસને શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં શરૂ થયેલી આ સર્કલ ઓફિસ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ જિલ્લાના ૬૭ બ્રાંચને આવરી લેવામાં આવશે. સર્કલ ઓફિસ રાજકોટમાં જ શરૂ થઈ જતાં હવેથી અમુક રકમની લોનથી વધુની પ્રક્રિયાઓ તેમજ એનપીએસ સહિતના મુદ્દે ગ્રાહકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી જવું પડશે નહીં. નોંધનીય છે કે, ગત તા.૧-૭ના રોજ સર્કલ ઓફિસ ધીમીગતિએ શરૂ થઈ ગઈ હતી. રવિવારે પત્રકારો સાથેની વિશેષ મુલાકાત દરમિયાન સર્કલ હેડ એસ.કે.રાઘવ તેમજ ડેપ્યુટી સર્કલ હેડ ક્રિષ્નાકુમારી તથા લોન ડિપાર્ટમેન્ટના આકાશ વર્મા સહિતના સર્કલ આફિસથી મળનારા ફાયદા અંગે જાણકારી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પંજાબ નેશનલ બેંકની શાખામાં ગ્રાહકોને કોઈ પરેશાન થતી હોય અથવા તો સરકારની યોજના અંતર્ગત કોઈ લોનના લાભથી વંચિત રહી જતું હોય તો સંપર્ક કરવો જોઈએ.
ગઈકાલે સર્કલ હેડ એસ.કે.રાઘવે કહ્યું હતું કે, જેમ દેશની આઝાદી માટે પત્રકારત્વનો રોલ મહત્વનો રહ્યો છે તેમ આર્થિક આઝાદી માટે બેંકોનો રોલ પણ વિશેષ છે. એક સમયે બેન્કિંગ સેકટર માટે બેંકોએ ખુબ મુશ્કેલી વેઠી હતી. બેંકનો મેનેજર આંતરીયાળ ગામડામાં એક જોડી કપડા લઈ અનેક પડકારો પાર કરી જતો હતો. ગામડાઓથી ધીમે ધીમે ચેનલની રચના થઈ. હવે આ ચેનલ મજબૂત બની ગઈ છે ત્યારે ખાનગી બેંકો આ ચેનલનો લાભ લઈ રહી છે. તેમણે કહ્યું કે, પંજાબ નેશનલ બેંકની સર્કલ ઓફિસ દ્વારા હવે સીએસઆર એક્ટિવીટી પણ થશે. વડાપ્રધાનની આત્મનિર્ભર યોજના હેઠળ જો કોઈ ગ્રાહક લાભ મેળવવા પાત્ર હશે તો તેને ઘરે જઈને લોન આપી દેશું.