ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ‘ગાંધી સંકલ્પ યાત્રા’ના અંતિમ દિને ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજન સાથે પદયાત્રા સાબરમતીના તીરે ગાંધી આશ્રમ ખાતે સંપન્ન
અમદાવાદ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના સર્વેશ્વર મંદિરથી શરૂ થયેલી ‘ગાંધી સંકલ્પ યાત્રા’ સુભાષ બ્રિજ – આર.ટી.ઓ. સર્કલ થઈ ગાંધીઆશ્રમ ખાતે પહોંચી હતી. આ ગાંધી સંકલ્પ યાત્રામા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહિત પ્રદેશ અને શહેરના મુખ્ય આગેવાનો સાથે હજારો કાર્યકરોએ રામ ધુન તેમજ ગાંધીના વિચારોને પ્લે-કાર્ડ તથા ટેબ્લોના મારફતે પ્રજા સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર લોકસભા વિસ્તારની જનતા પણ સ્વયંભૂ રીતે સમગ્ર ગાંધી સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર જોડાઇ હતી.
ત્યારબાદ ગાંધી આશ્રમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના મતક્ષેત્રમાં યોજાયેલ ગાંધી સંકલ્પ યાત્રાના સમાપન સમારોહનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના પ્રારંભે હદયકુંજ ખાતે ગાંધીજીના સ્મૃતિચિત્ર ઉપર સુતરની આંટી પહેરાવી સૌ મહાનુભાવોએ પુજ્ય બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. વૈશ્વણ જનની ધુન સાથે દિપ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે અમદાવાદ શહેર ભાજપા પ્રમુખ જગદીશ પંચાલે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના બંને પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગાંધી વિચારને દેશના જનજન સુધી પહોંચાડવાની આહલેક જગાવી છે. પંચાલે આ પ્રસંગે પધારેલ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે તેમના ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, ગાંધીજીના વિચારો શાશ્વત હતા, છે અને રહેશે. ગાંધી સંકલ્પ યાત્રા દ્વારા ગાંધીજીના વિચારોને જનજન સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર પ્રત્યેક કાર્યકરને હું હદયપૂર્વક અભિનંદન પાઠવુ છું. દેશ અને દુનિયામાં ગાંધીજીના વિચારો ગ્રામ સ્વરાજ્ય, સ્વચ્છતા તથા કુટિર ઉદ્યોગોને ઉત્તેજન દ્વારા છેવાડાના માનવીની ઉન્નતિ આજે પણ અનુબધ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો કૌશલ્ય સંવર્ધન અને સ્વરોજગારીને બળ પુરુ પાડવાના વિચારો ખરા અર્થમાં ગાંધીજીના વિચારોનું પ્રતિબિંબ છે. ગાંધીજીના વિચારો અને આદર્શોના અનુસરણ અને આચરણ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વગુરુ બનાવવામાં આપણે ચોક્કસપણે સફળ થઇશુ તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધી સંકલ્પ યાત્રાના પુર્ણાહુતી સમારંભમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, નવી પેઢી વિદ્યાર્થીઓ-યુવાનોને ગાંધીજીની વિચારધારા, આદર્શો અને મૂલ્યોથી વાકેફ કરવા માટે આ ગાંધી સંકલ્પ યાત્રા ખૂબ જ જરૂરી બને છે. દેશના નાગરિકો સુધી ગાંધીજીના વિચારો પહોંચે અને તે સમાજ જીવનનો અભિન્ન હિસ્સો બને તે દ્રષ્ટિકોણથી આ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે-ઘરે શૌચાલય નિર્માણ કરાવીને ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને તેમજ તેની સાથે સાથે મહિલાઓના સન્માન અને ગરિમાની અને એક રાષ્ટ્રીય શરમને દૂર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેના પરિણામે આજે દેશ સો ટકા ખુલ્લામાં શૌચથી મુક્ત બન્યું છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીજીના મૂલ્યો વિચારો અને આદર્શોને જીવંત રાખવા માટેની આ પદયાત્રા છે. દેશના મહાપુરુષોને આજના યુગપુરુષ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં જીવંત રાખવાનું કામ કર્યું છે. આ યાત્રા થકી જનજાગૃતિનું મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કોઇ એક પક્ષની યાત્રા નથી, આ સૌની યાત્રા છે. ગાંધીજી સૌના હતા અને ગાંધીજી સૌના છે. પૂજ્ય બાપુનો ભારતમાતા માટેનો ભાવ, સ્વચ્છતાનો આગ્રહ, દીન દુખિયાની સેવા, આમ તેમના સંકલ્પો અને વિચારોને મૂર્તિમંત કરવાની યાત્રા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક સાંસદોને પોતાના મતવિસ્તારમાં ૧૫૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધી વિચારો, મૂલ્યો અને આદર્શોને મૂર્તિમંત કરવાની હાકલ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના લોકસભા વિસ્તારમાં શરૂ થયેલી ગાંધી સંકલ્પ યાત્રા સાબરમતી વિધાનસભામાં વૈષ્ણવજન તો તેને રે કહીએ ગાંધીજીના પ્રિય ભજન સાથે શરૂ થયેલી આ પદયાત્રા સાબરમતીના તીરે આવેલ ગાંધી આશ્રમ ખાતે સમાપન સમારોહમા પુર્ણ થઇ હતી.
આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અગ્રણી સુરેન્દ્રકાકા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને કર્ણાવતી શહેર પ્રભારી આઇ.કે.જાડેજા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, અમદાવાદ જીલ્લા પ્રભારી તથા કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, મેયરશ્રી બીજલબેન પટેલ, કર્ણાવતી મહાનગરના ધારાસભ્ય તથા પદાધિકારીઓ સહિત કાર્યકર ભાઇ-બહેનો અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.