1 અથવા 2 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવે તેવી સંભાવના હવે વધુ પ્રબળ બની છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી 31મી ઓક્ટોબર સુધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો જાહેર થઇ ગયા છે. 1 અથવા 2 નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખોનું સત્તાવાર એલાન કરી દેવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે.
નુતન વર્ષના આરંભે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરી એકવાર ગુજરાતની મૂલાકાતે આવશે. 28મી ઓક્ટોબરે તેઓ સુરતના હજીરા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત ગુજરાતમાં 100 ટકા નલ સે જલ અભિયાન પૂર્ણ થતા મધ્ય ગુજરાતમાં એક વિશાળ સંમેલન યોજવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉજવાશે. જેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કેવડીયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને કરવામાં આવનાર છે.
આ ઉપરાંત થરાદ ખાતે પણ પીએમની એક જાહેર સભા ગોઠવાય રહી છે. 31મી ઓક્ટોબર સુધી રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રીના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખનું એલાન નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં મતદાન યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં અને બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં યોજાશે. મતગણતરી હિમાચલ પ્રદેશ વિધાનસભાની સાથે 8 ડિસેમ્બરે જ યોજાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પણ તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતી. આ ટીમ દ્વારા ટૂંક સમયમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કરાશે. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા તારીખોનું એલાન કરાશે.