વડાપ્રધાન મોદી દ્વારા 21,000 કરોડથી વધુના પ્રકલ્પોના શુભારંભનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો: મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં રૂા.21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણનો વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજકોટના હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે પ્રમુખ ભુપતભાઇ બોદરએ અધ્યક્ષીય પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, પી.એમ. નરેન્દ્રભાઈ મોદીએ 2014 થી ગ્રામ્ય વિસ્તારો અને નાનામાં નાના માણસની ચિંતા કરી તેઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે. ગ્રામીણ વિસ્તારમાં “નલ સે જળ” યોજના અને “સૌની” યોજના થકી પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડી છે. તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા પણ બાળકો-મહિલાઓ-ગરીબો- વંચિતો-શ્રમિકો સૌ કોઈ માટે વિવિધ યોજનાઓ અને લાભો પૂરા પાડ્યા છે. ભુપતભાઈ બોદરે રાજ્ય સરકારની ઉપલબ્ધિઓને બિરદાવી હતી.
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ એ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ સૌને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ આપી છે. જરૂરિયાતમંદ લાભાર્થીને શોધીને લાભાર્થીઓ સુધી જઈ યોજનાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. લાભાર્થીઓને મળવાપાત્ર સહાય તથા લાભો ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમાં થાય છે. ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ સરકારની ઉપલબ્ધિઓને બિરદાવી સુક્ધયા સમૃદ્ધિ યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓ જોડાય તેવી અપીલ કરી હતી.
સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવ્યું હતું કે જીવનના તમામ પડાવમાં મદદરૂપ થવા માટે વિવિધ યોજનાઓ દ્વારા સરકાર નાગરિકોની ચિંતા કરી રહી છે. તેમજ આવાસ મેળવનાર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી એ કાર્યક્રમની રૂપરેખા દર્શાવી સ્વાગત ઉદબોધન કર્યું હતું.
નગરપાલિકાના રિજીયોનલ કમિશ્નર ધીમંત કુમાર વ્યાસએ જિલ્લામાં તેમજ નગરપાલિકાના વિસ્તારમાં લાભાર્થીઓની આંકડાકીય માહિતી પૂરી પાડી હતી. જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ વડાપ્રધાન મોદીએ કરેલા વિકાસના કામો અને ઉપલબ્ધિઓને બિરદાવી હતી.કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પ્રધાનમંત્રી ને તમામ ઘરવિહોણા લોકોને “ઘરનું ઘર” પૂરું પાડવાના મિશનની વાત ઉચ્ચારી નિયત સમય મર્યાદામાં લોકોને ઘર મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્રારા અગ્રતાના ધોરણે કામગીરી ધરવામાં આવી રહી છે.
તેમ જણાવ્યું હતુંસૌ મહાનુભાવોએ પ્રધાનમંત્રી નો વડોદરા ખાતેના કાર્યક્રમને સ્ક્રીન પર નિહાળ્યો હતો તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થી મહિલાઓને ઘરની ચાવી, પૂજાપો સુપરત કરી ગૃહપ્રવેશ કરાવાયો હતો. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 347 અને નગરપાલિકાના શહેરી વિસ્તારના 1406 લાભાર્થીઓને પી.એમ. આવાસ યોજના હેઠળ લાભ પૂરો પાડવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ડી. આર. ડી. એ. ના નિયામક એન. આર. ધાંધલ, અગ્રણી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તેમજ લાભાર્થી મહીલાઓ ઊપસ્થિત રહ્યા હતા.