- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ત્રણ ચૂંટણી સભામાં સૌરાષ્ટ્રની તમામ સાતેય લોકસભા બેઠકોને આવરી લેશે: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે. હવે મતદાનના આડે માત્ર પાંચ દિવસનો સમય બચ્યો છે ત્યારે રાજ્યની તમામ બેઠકો સતત ત્રીજી વખત ફતેહ કરવા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા આજથી મિશન સૌરાષ્ટ્ર-કચ્છ હાથ પર લેવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જંગી ચૂંટણી સભા સંબોધશે. દરમિયાન આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગાંધીધામમાં વિશાળ રોડ-શો યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બુધવારથી બે દિવસ માટે માદરે વતન ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવ્યા છે. ગઇકાલે તેઓએ ડિસા અને હિંમતનગરમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. દરમિયાન આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે વડાપ્રધાને આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. દરમિયાન બપોરે 12 કલાકે સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી સભા ગજવી હતી. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકને આવરી લેવામાં આવી હતી.
દરમિયાન બપોરે 2:15 કલાકે જૂનાગઢમાં કૃષિ વિશ્ર્વ વિદ્યાલય ખાતે સભા સંબોધી હતી. જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠક ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવી હતી. આજે અંતિમ કાર્યક્રમમાં વડાપ્રધાને બપોરે 4:15 કલાકે જામનગરમાં સાત રસ્તા પાસે પ્રદર્શન મેદાન ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં જામનગર લોકસભા બેઠક અને પોરબંદર વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવી હતી.
આજથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસ માટે ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રવાસે આવ્યા છે.
આજે રાત્રે 8 કલાકે તેઓ મહેસાણા ખાતે મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધશે. દરમિયાન આવતીકાલે શુક્રવારે સવારે 10 કલાકે દાહોદ ખાતે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધશે.
બપોરે 2 કલાકે અમદાવાદમાં મતદારો સાથે મુલાકાત કરશે. સાંજે 5 કલાકે કચ્છના ગાંધીધામમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાના સમર્થનમાં વિશાળ રોડ-શો યોજાશે અને રાત્રે 8 કલાકે ગાંધીધામની હોટલ રેડિશન ખાતે કાર્યકર્તા સંવાદમાં ભાગ લેશે.