મોદીએ ગાંધીજીનાં આદર્શો, સિદ્ધાંતો અને શિક્ષાને અનુસરી દેશ-વિદેશમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે: રાજુભાઈ ધ્રુવ
૨જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાતને આવકારતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ બધા જ ગુજરાતીઓમાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મોદીજીનો ગુજરાત પ્રવાસ ઐતિહાસિક બની રહેશે. આજનાં સમયમાં પણ મહાત્મા ગાંધીજીનાં વિચારો-આદર્શો હજુ પણ એટલા જ સુસંગત છે જેટલા તેમના જીવનકાળ દરમિયાન હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના આદર્શો, સિદ્ધાંતો અને શિક્ષાને અનુસરી દેશ અને વિદેશમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નરેન્દ્રભાઈ મોદીની પ્રિય પરિયોજના સ્વચ્છ ભારત અભિયાન કે જે મહાત્મા ગાંધીની શિક્ષાઓથી પ્રેરિત છે તે પણ નવી દિલ્હીમાં ૨જી ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ ગાંધીજયંતીનાં દિવસે જ શરૂ કરવામાં આવી હતી.
આજથી પાંચ વર્ષ અગાઉ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સ્વચ્છ ભારત એ ૨૦૧૯માં મહાત્મા ગાંધીને તેમના ૧૫૦મી જન્મજયંતી પર દેશ દ્વારા આપી શકાતી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે. આજે જૂઓ મહાત્મા ગાંધીજીનાં વિચારો-પ્રેરણાથી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાન હેઠળ ભારત ખુલ્લામાં શૌચ મુક્ત કરનાર દેશ બની ગયો છે. નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની ગયું છે અને તે ખરેખર મહાત્મા ગાંધીના તે દિવસોની યાદ અપાવે છે કે જ્યારે આઝાદીની તૃષ્ણાએ જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી આ યોજના ભારતના ખૂણે-ખૂણાને પરિવર્તિત કરી રહી છે. તે સામાન્ય લોકોની અંદર આવેલ સર્વોચ્ચ જાગૃતિમાં પરિણમી છે.
નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલા સાબરમતી આશ્રમને પણ ભારતીય રાજનીતિમાં શ્રેષ્ઠ હરોળમાં લાવ્યા છે. તેમની હાજરીમાં મહત્વના વૈશ્વિક નેતાઓ જેવા કે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ, ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુથી લઈને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેએ મહાત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે. વાસ્તવમાં, ચીનનાં રાષ્ટ્રપતિએ તેમની સાબરમતી આશ્રમની મુલાકાતને તેમના જીવનની સૌથી યાદગાર અને પ્રેરણાદાયી ક્ષણોમાની એક તરીકે વર્ણવી હતી. વડાપ્રધાન સહિત અનેક વિશ્વના નેતાઓ દ્વારા ચરખો ચલાવવાની તસ્વીરોએ સ્વાવલંબનના પ્રતિક સમાન ચરખાના ગાંધીજી દ્વારા થયેલા ઉપયોગના સંસ્મરણોને વાગોળ્યા હતા. બ્રિસબેનથી લઈને હેનોવર અને અશ્ગાબાત સુધી વડાપ્રધાનએ બાપુની પ્રતિમા કે મૂર્તિઓના અનાવરણ કરીને આંતરરાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધીની ચેતનાને પ્રસરાવવાનું કાર્ય કર્યું છે. ગત વર્ષે રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે મહાત્મા ગાંધી સ્મારકનાં મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ એ જ શાળા હતી કે જ્યાં મહાત્મા ગાંધીએ ૧૮૮૭માં તેમની મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. બાપુને આથી વિશેષ અંજલિ બીજી શું હોય શકે? રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને મહાત્મા ગાંધીના આદર્શોને અમલમાં મૂક્યા છે અને એ બાબત દર્શાવે છે કે કઈ રીતે ૨૧મી સદીમાં પણ તેમના આદર્શો અને વિચારો પ્રાસંગિક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાસ્તવમાં મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યોને જીવંત બનાવી ભારતનો વિકાસ કર્યો છે, વિશ્વભરમાં ભારતને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે.