આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનો સામનો કરવા માટે
રાજ્ય અને જિલ્લા સ્તરે રણનીતિ તૈયાર કરવી જોઈએ: પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં ડાયરેક્ટર જનરલ(ડિજીપી) અને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ(આઈજીપી)ની ૫૭મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોલીસ દળને વધુ સંવેદનશીલ બનાવવા અને તેમને આધુનિક ટેક્નોલોજીની તાલીમ આપવાનું સૂચન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ (પીએમ મોદીએ) પોલીસ મહાનિર્દેશકોની બેઠકમાં કહ્યું કે ફૂટ પેટ્રોલિંગ જેવી પરંપરાગત પોલીસિંગ સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે.
પીએમે કહ્યું કે, આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનો સામનો કરવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે રણનીતિ તૈયાર કરવી જોઈએ. આ બેઠકમાં વડાપ્રધાને અપ્રચલિત ફોજદારી કાયદાઓ નાબૂદ કરવા, રાજ્યોમાં પોલીસ સંગઠનો માટે ધોરણો બનાવવાની ભલામણ કરી હતી. આ સિવાય વડા પ્રધાને અધિકારીઓ સાથે વારંવાર મુલાકાત કરીને સરહદ પર દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. તેમણે ડેટાના પ્રવાહને સરળ બનાવવા માટે નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કના મૂલ્ય પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, પીએમ મોદીએ જેલ પ્રશાસનને સુધારવા માટે જેલ સુધારણાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે વારંવાર સત્તાવાર મુલાકાતો દ્વારા સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા વધારવા પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાને ઉભરતા પડકારોની ચર્ચા કરવા અને તેમની ટીમો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓ વિકસાવવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે ડીજીપી-આઈજીપી પરિષદોના મોડલની નકલ કરવા હાકલ કરી હતી.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન માત્ર તમામ માહિતીને ધૈર્યથી સાંભળતા નથી પરંતુ મુક્ત અને અનૌપચારિક ચર્ચાને પણ પ્રોત્સાહિત કરે છે જેથી નવા વિચારો બહાર આવી શકે. વડા પ્રધાનના વિઝનથી પ્રેરિત, કોન્ફરન્સમાં પોલીસિંગ અને સુરક્ષા પર ચર્ચા શરૂ થઈ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ત્રણ દિવસીય બેઠક ૨૦ જાન્યુઆરીથી શરૂ થઈ હતી. વડા પ્રધાને વિશિષ્ટ સેવા માટે પોલીસ મેડલ અર્પણ કરીને કોન્ફરન્સનું સમાપન કર્યું હતું.
કોન્ફરન્સમાં પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ જેમ કે આતંકવાદ અને સાયબર સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કેન્દ્રીય ગૃહ સચિવ, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીએસપી/આઈજીએસપી અને કેન્દ્રીય પોલીસ સંગઠનો/કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓએ પણ પરિષદમાં ભાગ લીધો હતો. નિવેદનમાં જણાવાયું છે કે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સ્તરોમાંથી લગભગ ૬૦૦ વધુ અધિકારીઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.