વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોકકસ સમયાંતરે દેશવાસીઓને ઓન એર સંબોધન કરીને ‘મન કી બાત’ કરે છે. હવે તેઓ ઓન એર જ ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને વિદ્યાર્થીઓને મોટીવેટ એટલે કે સારા ગુણ મેળવવા પ્રોત્સાહિત કરશે.
આગામી તા.૧૬મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન ધો.૬ થી ૧૨ના છાત્રો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ થકી રૂબરૂ થશે. તમામ શાળાઓને વિધિવત પત્ર પાઠવીને ૧૬મી તારીખે ૬ થી ૧૨ ધોરણના છાત્રોને દૂરદર્શન, ઓલ ઈન્ડીયા રેડીયો, અને યૂ-ટયૂબ તેમજ તમામ સરકારી વેબસાઈટો નિહાળવા જણાવાયું છે.
આ સિવાય દિલ્હીના ટાઉન હોલમાં ધો. ૯ અથવા તેનાથી ઉપરનાં ધોરણના છાત્રો માટે એક કાર્યક્રમ રખાયો છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદીને ઓનલાઈન સવાલ પુછી શકશે.
૧૬ તારીખ પછી તમામ શાળાઓને બાળકો ‘પરીક્ષાપે ચર્ચા’ જોતા હોય તેવો બે મિનિટ વિડીયો અથવા ૪ પેરાગ્રાફમાં વિવરણ કેન્દ્ર સરકારને મોકલવા પણ જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે આવો જ એક પ્રોગ્રામ ૨૦૧૪માં શિક્ષકો માટે યોજાયો હતો જેમાં વડાપ્રધાને ટીચર્સને ઓન એર સંબોધન કર્યું હતુ.
વડાપ્રધાને પુસ્તક લખ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પુસ્તક લખ્યું છે. જેનું ટાઈટલ છે ‘એકઝામ વોરીયર્સ’ આ પુસ્તકમાં તેમણે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ માટે ૨૫ સકસેસ મંત્રની એક યાદી લખી છે.
આ પુસ્તક લગભગ તમામ બૂક સ્ટોર્સમાં ઉપલબ્ધ થઈ ચૂકયું છે. ગત અઠવાડીયાના અંતમાં દુકાનોમાં આ પુસ્તકનીસારી એવી માગ રહી હતી કેમકે ફાઈનલ પરીક્ષાઓ નજીક છે.