વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા છે વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું
મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનનો ભાવ સભર આવકાર કર્યો હતો
પીએમ મોદી આજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરવા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દેશ-વિદેશના લોકો ભાગ લેવા આવશે. આ ફેસ્ટિવલ ૧૪ ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. અહીં તૈયાર કરાયેલ પ્રમુખસ્વામી નગરમાં પ્રમુખસ્વામી મહારાજનું જીવન કાર્ય, સંદેશ, સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
સંપૂર્ણ નગર પર ત્રણ હેલીકોપ્ટર દ્વારા કરાશે પુષ્પવર્ષા
વડાપ્રધાન મોદી આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા આવી પહોંચ્યા છે ત્યારે ઉદ્ઘાટન બાદ સંપૂર્ણ નગર પર ત્રણ હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાશે. જેના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે. હરિભક્તો માટે મેનેજમેન્ટ દ્વારા ૧.૨૫ લાખ ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક મહિનામાં આશરે ૧ લાખ NRI ભાવિકો મુલાકાતે આવશે જેનું બુકિંગ અગાઉ કરી દેવામાં આવ્યું છે . શહેરની ફાઈવસ્ટાર હોટલના રૂમ બુક થઇ ગયા છે. મહોત્સવમાં જીતુ વાઘાણી, ભુપેન્દ્ર ચુડાસમા, જેઠાલાલ એટલે કે દિલીપ જોશી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહેશે.