વિદેશી બેન્કોની સિધ્ધી હરીફાઇ રાષ્ટ્રીય બેન્કો સાથે નહી પરંતુ સહકારી બેન્કો સાથે છે: સી.આર.પાટીલ
જામકંડોરણા ખાતે ગઇકાલે રાજકોટ જિલ્લા બેન્ક સહિત અલગ-અલગ સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં ખાસ ઉ5સ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવી સત્તાધાર ઘોષણા કરી હતી કે આગામી 11મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામ કંડોરણાની મુલાકાતે આવી રહ્યા છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે અગાઉ સહકારી ક્ષેત્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ-ઇલુ ચાલતુ હતું. જે બંધ થઇ ગયુ છે. હવે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપ સત્તાવાર મેન્ડેટ આપી ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. સહકારી બેંકોએ ખેડૂતોના ઉત્કર્ષ માટે મહામૂલું યોગદાન આપી ખેડૂતોની વિશેષ કાળજી લીધી છે. વિદેશી બેંકો માટે સીધી હરિફાઈ રાષ્ટ્રીય બેંકો નહીં, પરંતુ સહકારી બેંકો હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે ખેડૂતો સહકારી બેંકો સાથે સીધા જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતાર્થે જરૂરિયાતમંદ ખેડૂતોના ખાતામાં વાર્ષિક રૂ.6,000 સીધા તેમના બેંકના ખાતામાં જમા કરાવી મદદરૂપ બની રહ્યા છે. આ તકે તેમણે ગૃહ મંત્રી અમિત શાહને સહકારી ક્ષેત્રને મજબૂત કરવા લેવાયેલા પગલાંઓની સરાહના કરી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાતના સહકારી ક્ષેત્રનું મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી હોવાનું જણાવી કહ્યું હતું કે બેન્ક તેમજ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષ માટે હિત રક્ષક સાબિત થઈ છે. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આ તકે મંત્રી રાઘવજીભાઈ પટેલે આપી હતી.આ સાથે વિવિધ સહકારી સંસ્થાઓના ચેરમેન પ્રવીણભાઈ રૈયાણી, લક્ષ્મણભાઈ હિરપરા, મગનભાઈ વળાવીયા, મગનભાઈ ઘોણીયા, ગોરધનભાઈ ધામેલીયા વગેરેએ સંસ્થાના વાર્ષિક મુસદ્દાઓ તેમજ હિસાબો રજૂ કર્યા હતા.
સહકારી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર લોકોનું શિલ્ડ અને ચેક આપી સન્માન કરાયું હતું. તેમજ મૃતક સભાસદોના વાલી-વારસોને ચેક વિતરણ કરાયા હતા.
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ શાબ્દિક પ્રવચન આપ્યું હતું. આ તકે મંત્રી બ્રિજેશ મેરજા, રાઘવજી પટેલ અને અરવિંદ રૈયાણી, પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, ડી.કે. સખીયા, ભાનુભાઈ મેતા, “નાબાર્ડ” ડી. કે. સિંઘલ, મનીષભાઈ ચાંગેલા, નૈમિશભાઈ ધડુક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, “ગુજકોમાસોલ” વાઇસ ચેરમેન બીપીનભાઈ પટેલ, સહકારી મંડળીઓના ચેરમેન, ડાયરેક્ટર, સદસ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.