સાંજે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરશે: જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત નવરાત્રી મહાઉત્સવમાં સહભાગી બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રોજ ગાંધીજયંતિના ઉપલક્ષ્યમાં ગુજરાત પ્રવાસ અંગે પંડિત દીનદયાળ ભવન, ભાજપા કાર્યાલય, સુરત ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સફળ અમેરિકા યાત્રા થકી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ગુજરાતના પનોતાપુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સાંજે ૫:૪૫ કલાકે ગુજરાત ખાતે પધારી રહયા છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના મુદ્દે સમગ્ર વિશ્વમાં ભારત તરફી સમર્થન મેળવી અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને એકલુ-અટૂલુ પાડી ભારતને કૂટનીતિક વિજય અપાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત પધારવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે, એક ગુજરાતી તરીકે આપણને આનંદ અને ગૌરવની લાગણી થાય. આજે જગત જમાદાર અમેરિકા પણ આપણી ભાષા બોલતું થયું છે, બાકી એક સમય એવો હતો કે અમેરિકા નક્કી કરતું અને આપણે તેને અનુસરવુ પડતું હતું. પરંતુ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે અમેરિકાની મહત્વની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આપણી ભાષા આપણાં સૂત્રો બોલાઈ રહયા છે. મોદીજીનું સૌનો સાથ, સૌનો વિકાસને અમેરિકા અપનાવી રહયું છે. અમેરિકન ચૂંટણીમાં અબ કી બાર… સૂત્રો બોલાઈ રહયા છે. મોદીજીના અમેરિકા પ્રવાસથી ત્યાં વસતાં ગુજરાતીઓ અને ભારતીયોનું પણ અમેરિકામાં માન-સન્માન વધી ગયું છે. આમ, સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતને ગૌરવ અપાવનાર નરેન્દ્રભાઇ મોદી પોતાના હમવતન ગુજરાત ખાતે પધારી રહયા હોય ત્યારે, ગુજરાતના કાર્યકરો અને ગુજરાતની જનતામાં અનેરો ઉત્સાહ અને થનગનાટ હોય તે સ્વાભાવિક છે. આથી જ સમગ્ર ગુજરાતની જનતા વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાજપા દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત હજારો કાર્યકર્તાઓને સંબોધન કરશે.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઈ મોદીજીએ હંમેશા ગાંધી વિચારોને મહત્વ આપ્યું છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે મહાત્મા મંદિરનું નિર્માણ કરાવીને મહાત્મા ગાંધીજીના સમગ્ર જીવન દર્શન સાથે તેમની વિચારયાત્રાને જીવંત, અવિસ્મરણીય અને ઐતિહાસિક બનાવી. દાંડી યાત્રાના સ્થાન પર પણ તે સમયની કૃતિઓ-મૂર્તિઓની ભવ્યતા સાથે ઇતિહાસને ઉજાગર કર્યો. ૨જી ઓક્ટોબરના રોજ ખાદી ખરીદવાની પરંપરા શરૂ કરાવી હજારો લોકોને ખાદી ખરીદવાની પ્રેરણા આપી. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા સમગ્ર દેશમાં એક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ, જે આજે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યુ છે. આ ઉપરાંત દેશમાં આશરે ૧૧ કરોડ જેટલા શૌચાલય બનાવ્યા અને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેરમાં શૌચક્રિયાની બદીથી દેશને મુક્ત કરવાનો સંકલ્પ સિધ્ધ થશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ, રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છતાના આગ્રહી એવાં દેશભરના ૨૦,૦૦૦ જેટલા સરપંચોને સંબોધન કરશે.

તે પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ) ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરશે ત્યારબાદ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત નવરાત્રીમાં માતાજીની આરાધનાના મહાઉત્સવમાં સહભાગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.