આસામમાં બીજીવાર ભાજપની સરકાર બનવાનો મતલબ છે કે આસામે આંદોલન, આતંકવાદ અને હથિયાર ત્રણેયને હંમેશા માટે છોડી વિકાસના રસ્તા પર જવાનું નક્કી કર્યું

અબતક, નવી દિલ્હી : ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ અને વિકાસના માર્ગ પરના તમામ અવરોધોનો સફાયો કરી દીધો છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વોત્તરના પ્રવાસ દરમિયાન જણાવ્યું છે. તેઓએ ગઈકાલે આસામમાં ઘણી મુખ્ય યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

અમિત શાહે જણાવ્યું કે આસામમાં બીજીવાર ભાજપની સરકાર બની છે. આસામમાં બીજીવાર ભાજપની સરકાર બનવાનો મતલબ છે કે આસામે આંદોલન, આતંકવાદ અને હથિયાર ત્રણેયને હંમેશા માટે છોડી વિકાસના રસ્તા પર જવાનું નક્કી કર્યું છે. શાહે કર્યુ કે, જે પ્રકારે પાંચ વર્ષમાં સર્બાનંદ સોનોવાલ અને હિમંત બિસ્વા સરમાની જોડીએ સરકાર ચલાવી છે. આસામની જનતાએ વિકાસનો રસ્તો પસંદ કર્યો અને તેનું પરિણામ છે કે હિમંતા બિસ્વા સરમા ફરીથી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ભાજપ આસામની ભાષા તેના વારસા અને તેની જૈવિક સંસ્કૃતિની રક્ષા અને સંરક્ષણ કરવા ઈચ્છે છે. ભાજપનું માનવું છે કે ભાષાઓ, બોલીઓ, વ્યંજન અને આવા અન્ય લક્ષણ ભારતના રત્ન છે અને આપણે તેને સંરક્ષિત કરવાની જરૂર છે.

મોદીએ હમેશા પૂર્વોતર ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું, પ્રધાનમંડળમાં આ વિસ્તારના પાંચ નેતાઓને સ્થાન

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને હંમેશાં પૂર્વોત્તર ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે, અને તાજેતરમાં જ તેમના પ્રધાનમંડળમાં આ વિસ્તારના પાંચ પ્રધાનો સામેલ કર્યા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલનો સમાવેશ થાય છે. આ અભૂતપૂર્વ છે કે સરકારના મંત્રીમંડળમાં પાંચ મંત્રી પૂર્વોત્તર ભારતથી આવે છે. પીએમ મોદીએ પૂર્વોત્તરમાં નવા વિકાસના મેપ શરૂઆત કરી છે. તેમણે સાત વર્ષોમાં 35 વખત આ ક્ષેત્રનો પ્રવાસ કર્યો છે. કોઈ અન્ય પીએમે આટલી વાર આ ક્ષેત્રની યાત્રા કરી નથી.

વિકાસ માટે  વિદ્રોહની જરૂર નથી, માત્ર સહયોગની જરૂર હોવાની વાત સમજાતા 2100 લોકોએ હથિયાર મૂકી દીધા 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં બોડોલેન્ડ સમજુતી થઈ છે. અમે સમજુતીની 90 ટકા શરતો પહેલા આપી ચુક્યા છીએ. સાથે કહ્યુ કે, મોદી સરકારમાં થયેલી સમજુતી હેઠળ પૂર્વોત્તમાં 2100થી વધુ લોકોએ પોતાના હથિયાર છોડ્યા છે. મોદી સરકારના કામકાજે આસામ માટે એક નેરેટિવ બદલી દીધુ છે. તેને વિકાસ માટે વિદ્રોહની જરૂર નથી, તેણે માત્ર સહયોગ પ્રદાન કરવાની જરૂર છે.

ઉત્તર પૂર્વીય રાજ્યો ભૌગોલિક રીતે દુશ્મનની સૌથી નજીક, માટે ત્યાંના વિકાસ પર સરકારનું પ્રાધાન્ય

ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વીય રાજ્યો ભૌગોલિક રીતે દુશ્મનની સૌથી નજીક છે. માટે આ વિસ્તારના લોકોને રાજી રાખવા ખૂબ જરૂરી હોય આ વાત બરાબર રીતે જાણતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તાર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આ વિસ્તારનો વિકાસની ગાડી પુરજોશમાં દોડાવી છે. અહીં વિકાસ સાધીને સ્થાનિકોને સંપૂર્ણ સંતુષ્ટ રાખવા ખૂબ જરૂરી છે. આ વાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળે ઉતારીને તે વિસ્તારને પોતાનાથી નજીક રાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.