વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની યાદમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ એકતા દિવસ પર શપથ પણ લેવડાવ્યા હતા. આ દરમિયાન, તેમણે યુનિટી ડે પરેડનું અવલોકન કર્યું જેમાં નવ રાજ્યો, એક કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસ, ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, નેશનલ કેડેટ કોર્પ્સ અને એક માર્ચિંગ બેન્ડ સહિત 16 માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાનું ‘સૂર્ય કિરણ’ ફ્લાયપાસ્ટ મુખ્ય આકર્ષણ રહેશે. આ પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા તમામ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે દિવાળીના અવસર પર પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે જ્યાં બુધવારે તેમણે કેવડિયામાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે રૂ. 284 કરોડથી વધુની યોજનાઓનું અનાવરણ કર્યું. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય કેવડિયામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો, પ્રવાસીઓના અનુભવમાં સુધારો કરવાનો અને વિસ્તારમાં ટકાઉ વિકાસના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. મોદીએ નવા પ્રવાસન કેન્દ્રો શરૂ કર્યા જે વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરશે અને યુનિટી સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડશે.
આ પહેલા બુધવારે પીએમ મોદીએ યુવા સનદી અધિકારીઓ સાથે ‘જનભાગીદારી’ દ્વારા ગવર્નન્સને આગળ વધારવા વિશે ચર્ચા કરી હતી અને તેમને નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગર ખાતે આયોજિત 99મા કોમન ફાઉન્ડેશન કોર્સ ‘આરંભ 6.0’ના અધિકારી તાલીમાર્થીઓને સંબોધતા તેમણે આ વાત કહી. આ વર્ષના કાર્યક્રમની થીમ ‘આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ’ છે, જેમાં 16 ભારતીય નાગરિક સેવાઓના 653 અધિકારી તાલીમાર્થીઓ અને ભૂતાનના ત્રણ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ 23.26 કરોડ રૂપિયાના ચાર મેગાવોટ સોલર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું જે એકતા નગરને ગ્રીન એનર્જી તરફ લઈ જશે.