એક જમાનામાં બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં વેપારના નામે રાજ સ્થાપ્યુ હતું, હવે આ જ યુરોપીયન દેશો માટે ભારત સાથે વેપાર બન્યો મહત્વનો
ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે સરકાર દ્વારા તબક્કાવાર આયોજનબદ્ધ રીતે પગલા લેવાનું શરૂ કર્યું છે ત્યારે ભારતને વૈશ્ર્વિક વેપાર મંચ પર ‘બાહુબલી’ બનાવવા માટેના પ્રયાસોને હવે વૈશ્ર્વિક પ્રતિસાદ મળી રહ્યો હોય તેમ ભારત અને યુરોપના દેશો વેપાર વિસ્તાર માટે હાથ મિલાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના અર્થતંત્રને ધમધમતું કરવા માટે ૮મી મે એ યુરોપના ૨૭ દેશો સાથે વાટાઘાટો કરશે. યુરોપીયન સંઘ સાથેની પોર્ટુગીજના પોર્ટો શહેરમાં યોજાનારી આ બેઠકમાં નરેન્દ્ર મોદી અને પોર્ટુગીજ વડાપ્રધાન એન્ટોનીયા કોસ્ટોની વિશેષ ઉપસ્થિતિમાં ભારત અને યુરોપીયન સંઘના ઉદ્યોગપતિઓ સાથે ગોલમેજી પરિષદ જેવી વાટાઘાટો થશે.
ભારતના વધતા જતાં વેપાર ઉદ્યોગના વ્યાપ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે ભારતના પ્રભાવને લઈને પ્રભાવિત યુરોપીયન સંઘના સુત્રોએ જણાવ્યું હતું કે, યુરોપના દેશો અને ભારત હવે તેમના પ્રાદેશીક અને આંતરરાષ્ટ્રીય જરૂરીયાતોને ધ્યાને લઈને પોતાનો વેપાર વિસ્તૃત કરવા જઈ રહ્યો છે ત્યારે ભારત સાથે વેપાર સંધીમાં યુરોપીયન સંઘે ૫ મુદ્દાનો કાર્યક્રમ ઘડ્યો છે અને ભારત માટે પણ આ પાંચ મુદ્દા ખુબજ ફાયદાકારક બનશે. યુરોપ અને ભારત વચ્ચે વેપાર ઉદ્યોગના વિસ્તાર માટેના મહત્વના પાંચ મુદ્દાઓમાં પર્યાવરણ-હરિયાળી, ગતિવિધિ, ડિજીટલ, સામાજિક, પુર્નોધાર અને ઉદારવાદની સાથે સાથે વેપારના નવા દિશા નિર્દેશો અને આધુનિક વિશ્ર્વની જરૂરીયાતોને ધ્યાને લઈને વેપારના પાંચ મુદ્દાઓ પર ભારત અને યુરોપીયન દેશો વચ્ચે ચર્ચા થશે.
યુરોપના દેશોનું દ્રઢપણે માનવું છે કે, જો એશિયા સાથે વેપાર, વ્યવહાર સુદ્રઢ બનાવવું હશે તો ભારતની ભૂમિકા તેમાં મહત્વની રહેશે. ભારત, યુરોપ અને એશિયાના વેપાર સંબંધનો વિકાસમાં ભારતની ભૂમિકા ચાવીરૂપ માનવામાં આવે છે. અગાઉ ફેબ્રુઆરી દરમિયાન ચીન અને પુર્વ યુરોપીયન દેશો વચ્ચેની બેઠકમાં છ દેશોમાં બલગેરીયા, રોમાનિયા, સોવેનિયા અને બાલટીકના ત્રણ દેશોએ ચીનની નીતિ-રીતિ અને વ્યવહાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેનાથી હવે ભારત અને યુરોપીયન દેશો વચ્ચેની આ બેઠક મહત્વની બનશે.
ગયા અઠવાડિયે જ યુરોપિયન સંઘના નાયબ પ્રમુખ વાલદીશ ડોમ્રોસ્કીએ જણાવ્યું હતું કે, યુરોપિયન સંઘ અને ભારત વચ્ચેની વાટાઘાટો સમગ્ર વિશ્ર્વ માટે એક નવો જ અધ્યાય ઉભો કરશે. યુરોપિયન સંઘની આ નવી વેપાર નીતિમાં ભારત સાથેની ભાગીદારીમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે. પોર્ટુગલે તેનું બિડુ ઝડપ્યું છે. અગાઉ ૨૦૦૦ની સાલમાં પર પોર્ટુગીઝ રાષ્ટ્ર પ્રમુખની આગેવાનીમાં ભારત સાથે વાટાઘાટો થઈ હતી. યુરોપે ભારત દ્વારા નિર્ધારિત કરેલા કલાઈમેટ ચેન્જના નિયમોને સ્વીકારીને ૨૦૫૦ સુધીમાં સમગ્ર યુરોપીયન ખંડને કાર્બન એમિશન મુક્ત કરવાનું શરૂ કરી દીધું છે. ભારત સાથે આત્મનિર્ભતા, સામાજિક સુદ્રઢીકરણ અને મહામારી સામે લડવા જેવી રણનીતિમાં સામેલ કરવામાં આવી છે. ભારત અને યુરોપીયન સંઘો વચ્ચે આર્થિક ક્ષેત્રે ઉદાર મતવાદીની સાથે સાથે મહામારી જેવી કટોકટીમાં અર્થતંત્રને જાળવી રાખવું એ બન્ને પક્ષો વચ્ચે સમાન અભિગમ રહ્યો હતો. લોકતાંત્રીક કાયદા અને નિયમોનું પાલન, લઘુમતીઓનું રક્ષણ અને મુક્ત વેપાર અને ઉદ્દાર મતવાદી નીતિએ બન્ને પક્ષનું સમાન હેતુ રહેલો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાની દિશામાં દેશને આગળ વધારી રહ્યાં છે ત્યારે હવે યુરોપીયન સંઘના દેશો સાથે વેપારને વધુ વિસ્તૃત કરી ભારત પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું સપનું પૂરું કરશે. એક જમાનો હતો કે, ભારત પર યુરોપની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વેપાર થકી રાજ પ્રસ્થાપિત કર્યું હતું. હવે સમય, સ્થિતિ અને સંજોગો બદલાઈ ગયા છે. યુરોપીયન સંઘ અને સમગ્ર યુરોપ માટે ભારતનો વેપાર-વ્યવહાર પોતાના અર્થતંત્રને ટકાવી રાખવા મહત્વનું બની રહ્યું છે. વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અને વેપાર-ઉદ્યોગને વિસ્તૃત કરવાના ઉદારવાદી અભિગમના ફળ હવે મળવા લાગ્યા છે.