હિતેશ રાવલ, સાબરકાંઠા:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાતભરમાં વિભિન્ન કાર્યક્રમો થકી ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. રાજયભરમાં 10,000થી વધુ કેન્દ્રો પર વેક્સિનેશન માટે મેગા ડ્રાઈવ યોજાઈ છે. તો ઘણા સ્થળોએ વૃક્ષારોપણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠાના ઈડર ખાતે આવેલ પાંજરાપોળમાં સ્થાનિક ટ્રસ્ટી મંડળ દ્વારા 2500 વધારે વૃક્ષો વાવી પ્રધાનમંત્રીના દીર્ઘ આયુષ્યની સાથોસાથ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે ૭૮માં જન્મદિવસ નિમિત્તે સાબરકાંઠાના ઈડર ખાતે આવેલા પાંજરાપોળમાં અઢી હજારથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ વૃક્ષો આગામી સમયમાં ઔષધીય ઉપયોગી બની રહે તેવા પસંદ કરાયા હતા. જો કે સામાન્ય રીતે સંસ્થા કે સંકુલ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિનો જન્મ દિવસ મનાવવામાં આવતો હોય ત્યારે રાજકારણીઓની હાજરી અચૂક હોય છે. ત્યારે આજરોજ સાબરકાંઠાના ઈડરમાં યોજાયેલી અઢી હજાર જેટલા વૃક્ષો વાવવા કરતા રાજકારણીઓએ ફોટોસેશનમાં વધારે હાજરી આપી તાત્કાલિક ધોરણે રવાના થઇ ચુક્યા હતા. મોટાભાગના વૃક્ષો એન.એસ.એસના વિદ્યાર્થીઓ દ્વારા રોપવામાં આવ્યા હતા.
આ દરમિયાન સ્થાનિક અગ્રણીઓએ ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવાની માંગ કરી હતી તેમજ ગાય થકી ખેડૂતોના ખેતરમાં દિનપ્રતિદિન રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ ઘટી શકે તેમ છે તેમજ જૈવિક ખેતી માટે પણ ગાય મહત્વની સાબિત થાય તેમ છે ત્યારે દિનપ્રતિદિન થતાં ગાયના કતલ બંધ થાય તેમ જ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે તો ભારતનું ગામડું અને કિસાન સમૃદ્ધ થઇ શકે તેમ છે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ગુજરાતભરમાં થઈ રહેલા વિવિધ કાર્યક્રમો થકી તેમનું દીર્ઘ આયુષ્ય વધે સાથોસાથ છેવાડાના સમાજને વિવિધ યોજનાઓ થકી ફાયદો પહોંચે તે આજના દિવસનો ઉદ્દેશ રહેલો છે.