આજે ગુરુ નાનક જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાય સમયથી દેશમાં સળગી રહેલા નવા કૃષિ કાયદાનો મુદ્દો મિટાવી દીધો છે. પંજાબના સળગતા પ્રશ્નને નિવારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોટુ એલાન કર્યું છે કે ગત વર્ષમાં અમલમાં લવાયેલા ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચાશે. આ માટેની પ્રક્રિયા સંસદના શિયાળુ સત્રમાં શરૂ થશે.
રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાને માંગી માફી….
આજે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું કે હું દેશવાસીઓની માફી માંગુ છું. હું સાચા દિલથી કહેવા માંગુ છું કે અમારા પ્રયત્નોમાં કમી રહી હશે કે અમે આંદોલન કરતા ખેડૂતોને સમજાવી શક્યા નથી. આજે ગુરુ નાનકના પ્રકાશનો પવિત્ર તહેવાર છે. આજે હું તમને જણાવવા આવ્યો છું કે અમે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. સંસદ આ મહિનાના અંતમાં શરૂ થનારા સત્રમાં તમામ ત્રણ કૃષિ કાયદાઓને પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ આજના પવિત્ર દિવસે તેમના ઘરે પાછા ફરે, ખેતરોમાં કામ માટે પાછા ફરે.
જે પણ કર્યું, ખેડૂતોના હિત માટે કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે જે પણ કર્યું, ખેડૂતો માટે કર્યું. તમારા બધા માટે, મેં સખત મહેનતથી કર્યું. ખેડૂતોના સપના સાકાર થાય તે માટે હું પ્રયત્નશીલ છું અને અમારી સરકાર હજુ વધુ મહેનત કરશે. ખેડૂતોને અપીલ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કરી કે તમે તમારા ઘરે પાછા ફરો, તમારા ખેતરોમાં પાછા ફરો, ચાલો નવેસરથી શરૂઆત કરીએ…!!