- વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન દર્દી નારાયણીની ખબર અંતર પૂછશે
- પીડીયુના પીએમએસએસવાય બિલ્ડીંગના ડાયાલિસિસ વિભાગમાં સિવિલ તંત્રની તડામાર તૈયારીઓ
આવતીકાલે જામકંડોણા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધન કરશે. ત્યારે તેની સાથો સાથ રાજ્યના અનેક હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના દર્દીઓની વિડિયો કોન્ફરન્સ મારફતે ખબર અંતર પણ પૂછશે. જેના ભાગરૂપે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી પીએમએસએસવાય બિલ્ડીંગના ડાયાલિસિસ વિભાગમાં સિવિલ તંત્ર દ્વારા તળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે તમામ પાર્ટીઓ ગુજરાતમાં પોતાનું એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનો ગઢ સમાન ગુજરાતમાં ચૂંટણી પૂર્વે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે જામકંડોણા ખાતે જાહેર સભાને સંબોધન કરશે.
જેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની અનેક હોસ્પિટલમાં ડાયાલિસિસના દર્દીઓ સાથે વાર્તાલાપ કરશે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના દર્દીઓ સાથે વાર્તાલાપ કરી તેમની ખબર અંતર પૂછશે.
જેના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજરોજ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી સહિતના સ્ટાફે ડાયાલિસિસ વિભાગની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. ડાયાલિસિસ વિભાગમાં વિડિયો કોન્ફરન્સને લાગતા સાધનો અને ઈન્ટરનેટની કનેક્ટિવિટી સહિતના તમામ ઉપકરણોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સ્ટેન્ડ બાયમાં રહેશે. પીએમ મોદી ડાયાલિસિસ વિભાગના દર્દીઓ સાથે જોડાય તેવી પણ પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.