ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે આંગળીના ટેરવે ગણાઇ તેટલા જ દિવસો બાકી રહ્યા છે. વડાપ્રધાન ખુદ ભાજપના પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. ત્યારે પીએમ મોદી રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેર સભાને સંબોધશે. પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીના આગમનને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ સમસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ૬ SP કક્ષાના અધિકારી ૧૦ DYSP કક્ષાના અધિકારી સહિત ૧૮૦૦ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધી ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સઘન બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.આ તકે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે સમગ્ર ચુસ્ત બંદોબસ્ત વિશેની વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
ભાજપ દ્વારા તડામાર તૈયારી શરુ
રેસકોર્સ મેદાન ખાતે વડાપ્રધાન જંગી સભા ગજવશે.ત્યારે શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારી શરુ કરવામાં આવી રહી છે. જેના સંદર્ભે રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,તથા ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે દ્વારા કરવામાં આવી હતી.આ તકે ડો.ભરતભાઈ બોધરા,કમલેશભાઈ મીરાણી તથા રાજુભાઇ ધ્રુવએ વડાપ્રધાનની સભા અને તૈયારીઓ વિશેની વિગતવાર માહિત પ્રેસ મીડિયાના મિત્રોને પુરી પાડી હતી.