ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ બંગાળમાં રીવ્યુ બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ બંને રાજ્યો પર ચક્રવાત યાસની અસરનો અંદાજ મેળવવા માટેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી બંને રાજ્યોમાં ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલાં ભુવનેશ્વર જશે, અહીં તે સમીક્ષા બેઠક કરશે. તે પછી બાલાસોર, ભદ્રક, અને પુરબા મેદિનીપુરના પ્રભાવિત વિસ્તારોમાં હવાઇ નિરિક્ષણ માટે જશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળમાં સમીક્ષા બેઠકમાં ભાગ લેશે.
ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’ બુધવારે દેશના પૂર્વી તટો સાથે ટકરાયું હતું. ચક્રવાત દરમિયાન 145 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન ફૂંકાતા ઘણા મકાનો ક્ષતિગ્રસ્ત થઇ ગયા, ખેતરોમાં પાણી ભરાઇ ગયા. યાસના કારણે ઓડિશા, પશ્વિમ બંગાળ અને ઝારખંડમાં તબાહી મચાવી છે.
ત્રણેય રાજ્યોમાં 21 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ સાથે ટકરાયું અને ખૂબ નુકસાન કર્યું. ઓડિશામાં સમુદ્રના પાણી ગામમાં ઘૂસી ગયા અને ઘણા ઝૂંપડા તણાઇ ગયા હતા. તો બીજી તરફ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળમાં લગભગ 3 લાખ ઘરોને યાસ ચક્રવાતે નુકસાન પહોંચાડ્યું છે.