વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડ જવા રવાના થયા છે. પીએમ મોદી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપશે. આ સાથે તેઓ બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરશે. ત્યારબાદ જૂજવા ખાતે 600 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે. અને જાહેર સભા સંબોધશે. પીએમ મેદીની સભાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે સ્ટેટ હાઈ વે પર સવારથી 7 કલાક માટે તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
જાહેરસભા સ્થળ આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.જેમાં 1 ADGIP, 10 SP, 40 DYSP, 40 PI, 180 PSI, 1800 કોન્સ્ટેબલ, SRPની 1 ટીમ, બીડીડીએસની 4 ટીમ અને સ્પેશ્યલ ગાર્ડની કંપની ખડકી દેવામાં આવી છે.