- વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
- દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછીની ગુજરાતની પહેલી જ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ. 8000 કરોડથી વધુનાં વિકાસકાર્યોની રાજ્યને ભેટ
- અમદાવાદ, ગાંધીનગર તથા ગિફ્ટ સિટી હવે મેટ્રોથી જોડાતાં રાજ્યના વિકાસને વધુ વેગ મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યા પછી પહેલી વાર ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ. 8000 કરોડથી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ સમારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જનસભાને સંબોધતા પહેલાં વડાપ્રધાન લોકોની વચ્ચેથી પસાર થતાં જનમેદનીમાં હર્ષોલ્લાસ છવાયો હતો. વડાપ્રધાનએ હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ સમારંભમાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આજે દેશમાં ચારે તરફ ઉત્સવની ધૂમ છે. ઉત્સવના આ દિવસોમાં ભારતમાં વિકાસનું પર્વ પણ નિરંતર ઊજવાઈ રહ્યું છે. આજે ગુજરાતમાં રૂ. 8000 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું છે, જેમાં રોડ, રેલ, મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.