કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરમાં અનેક તકોનું સર્જન કર્યું, હવે લોકો વિકાસની દિશામાં જવા લાગતા શાંતિ યુગ શરૂ થયો
છેલ્લાં 8 વર્ષમાં 6000 આતંકવાદીઓએ સમર્પણ કર્યું, આતંકી હુમલાની ઘટનાઓમાં લોકોના મોતમાં 89 ટકાનો ઘટાડો થયો
મોદી સરકાર બે જ મુદાના કાર્યક્રમ ઉપર સતત આગળ વધી રહી છે. એક તો મોદી મંત્ર-1 એટલે કે અર્થતંત્રનો વિકાસ અને બીજો મોદી મંત્ર-2 એટલે કે આતંકવાદનો સફાયો. બન્ને મંત્ર હાલ સફળતાની દિશામાં છે. સરકારે મોદી મંત્ર-2ને લઈને ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ પગલાઓ લીધા છે. જેને પગલે ત્યાં આંતકવાદી હુમલાઓમાં 168 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં 8 વર્ષમાં આતંકવાદી હુમલાની ઘટનાઓમાં 168%નો ઘટાડો થયો હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવતા કહ્યું હતું કે, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપ ઉત્તર -પૂર્વમાં પણ છેલ્લાં 8 વર્ષમાં 6000 આતંકવાદીઓએ સમર્પણ કર્યું છે તથા આતંકી હુમલાની ઘટનાઓમાં લોકોના મોતમાં 89 ટકાનો ઘટાડો થયો છે.
ઠાકુરે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ફન્ડિંગને લગતા કેસોમાં 94 ટકા આરોપીઓ કસૂરવાર ઠર્યા છે. ઠાકુરે કહ્યું હતું કે સરકાર આતંકવાદનો સામનો કરવા માટે સશસ્ત્ર કાર્યવાહીથી આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે અને કાયમી શાંતિનું વાતાવરણ બનાવવા માટે કામ કર્યું છે. વિદેશમાં વસતાં ભારતીયોને પ્રતિકૂળ સ્થિતિમાંથી બચાવીને સ્વદેશ પરત લાવવાના વિવિધ મિશન વિશે પણ અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી-માર્ચ 2022માં ‘ઓપરેશન ગંગા’ હેઠળ 22,500 નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. તો ‘ઓપરેશન દેવી શક્તિ’માં અફઘાનિસ્તાનમાંથી 670 ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં ‘વંદે ભારત મિશન’ હેઠળ, કોવિડ19 કટોકટી દરમિયાન 1.83 કરોડ નાગરિકોને ઘરે પાછા લાવવામાં આવ્યા હતા.
મોદી શાસનમાં ઉત્તર-પૂર્વમાં થયેલી શાંતિ કરારો
- જાન્યુઆરી 2020માં બોડો સમજૂતી
- જાન્યુઆરી 2020માં બ્રુ-રીઆંગ કરાર
- ઓગસ્ટ 2019માં એનએલએફટી ત્રિપુરા કરાર
- કાર્બી આંગલોંગ કરાર સપ્ટેમ્બર 2021
- માર્ચ 2022માં આસામ-મેઘાલય આંતર રાજ્ય સીમા કરાર
આસામનો 60% હિસ્સો એએફએસપીએમાંથી મુક્ત કરાયો
આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ પર બોલતા ઠાકુરે કહ્યું હતું કે ત્રિપુરા અને મેઘાલય સહિત ઉત્તર પૂર્વના મોટા ભાગમાંથી એએફએસપીએ પાછો ખેંચાયો છે. અરુણાચલ પ્રદેશના માત્ર 3 જિલ્લાઓમાં તે અમલમાં છે, આસામનો 60 ટકા ભાગ
એએફએસપીએ મુક્ત છે, 6 જિલ્લા હેઠળના 15 પોલીસ સ્ટેશનને ડિસ્ટર્બ્ડ એરિયાની શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
ભારત હવે જરૂર પડ્યે અન્ય દેશોને પણ સંકટ સમયે બચાવે છે
વિશ્વમાં ભારતના આ પ્રયાસોથી સર્જાયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ભારતને હવે એવા દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે જે સંકટના સમયે અન્ય દેશોને તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે.તૈયાર રહે છે અને આતંકવાદ સામે મક્કમતાથી કામ કરે છે, જ્યારે પાડોશી દેશને માત્ર આતંકવાદને આશ્રય આપનાર અને હિંસાને પ્રોત્સાહન આપનાર દેશ તરીકે જોવામાં આવે છે.
શોપિયામાં ત્રણ આતંકીને ઠાર કરતી સેના
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને બેરિકેડ કરીને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દીધું છે. આ એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં થયું હતું.એડીજીપી કાશ્મીરે જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણ સ્થાનિક આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. જ્યારે ત્રીજાની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
તેમાંથી એક શોપિયાંનો લતીફ લોન છે, જે કાશ્મીરી પંડિત પુરાણ કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો અને બીજો અનંતનાગીનનો ઉમર નઝીર છે, જે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. તેમની પાસેથી એક એકે 47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી છે. કહેવાય છે કે સુરક્ષાદળોની ટીમને આતંકીઓની હાજરીની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. સૈનિકો આગળ છે.
જમાત-એ-ઈસ્લામીની 100 કરોડ રૂપિયાની સંપત્તિ સીલ
રાજ્ય તપાસ એજન્સી એ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદીઓને ભંડોળ પૂરું પાડતા પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામીની 100 કરોડ રૂપિયાની સંપત્તિ સીલ કરી છે. આ કાર્યવાહી ગાંદરબલ, બાંદીપોરા, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં થઈ હતી.રાજ્યમાં આતંકવાદી સંગઠનોનું ફંડિંગ રોકવા માટે એજન્સી છેલ્લા કેટલાક સમયથી કાર્યવાહી કરી રહી છે છેલ્લા 30 વર્ષમાં જમાતે ઘાટીમાં પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. આમાં જમીન, શોપિંગ મોલ અને શાળાઓ સહિત મોટી માત્રામાં રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓએ લગભગ 188 મિલકતોની ઓળખ કરી છે. તેમની કિંમત લગભગ 1000 કરોડ છે. આ તમામ મિલકતોને ટૂંક સમયમાં સીલ કરવામાં આવશે અને વેરિફિકેશન બાદ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે.
ઘાટીમાં જમાતની 300 શાળાઓ પર પ્રતિબંધ
જમાત-એ-ઇસ્લામી એકલા કાશ્મીરમાં 300 થી વધુ શાળાઓ ચલાવતી હતી. હવે તેમના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા અધિકારીઓને આશંકા હતી કે અહીં ભણતા વિદ્યાર્થીઓને આતંકવાદ કે અલગતાવાદમાં ધકેલવામાં આવી શકે છે.