અબતક, રાજકોટ : આજે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોએ હંગામો મચાવી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓનો પરિચય આપવાનું શરૂ કર્યું ત્યાં જ વિપક્ષે જોરદાર નારેબાજી કરી હતી. આ નારેબાજી શાંત ન પડતા સંસદને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. ત્યારપછી વડાપ્રધાન મોદીએ પોતાના મંત્રીઓનો પરિચય આપવાની શરુઆત કરી હતી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરવામાં આવ્યો હતો. હોબાળા અને વિરોધ વિશે મોદીએ કહ્યું કે, મને લાગતું હતું કે, આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે. કારણકે બહુ મોટી સંખ્યામાં મહિલા સાંસદ, દલિત ભાઈઓ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદનો મોકો મળ્યો છે. તેમનો પરિચય કરાવવાનો આનંદ થથો. પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતના દીકરા મંત્રી બને તે અમુક લોકોને ગમ્યુ નથી. તેથી તેમનો પરિચય પણ કરાવવા નથી દેતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું કે, તેમણે પાછલા 24 વર્ષમાં આવું નથી જોયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ફટકાર લગાવી હતી. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોની તેમના વ્યવહાર માટે ટીકા કરી. વિપક્ષના સાંસદોના સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સંસદ શરૂ થયા પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું નિવેદન આપ્યું હતું કે વિપક્ષના લોકો આકરાથી આકરા સવાલો પુછે પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપે જેથી સરકારનો અવાજ સામાન્ય લોકો સુધી પહોંચી શકે.