• વડાપ્રધાનઓના સ્વાગત માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં થઈ રહી છે તૈયારીઓ
  • શહેરના જાહેર માર્ગોને ગ્રેફિટી ચિત્રો તથા લાઈટિંગ વડે સજાવવામાં આવ્યાગાંધીનગર, 21 ઓક્ટોબર: આગામી 28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડરો, ફૂટપાથ અને જાહેર સ્થળોની સાફસફાઈ કરવામાં આવી રહી છે, તેમજ રોડ-રસ્તાઓના સમારકામની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોને શોભાયમાન બનાવવા માટે રંગરોગાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

હાલમાં આવેલી પૂરની આપદા બાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં થયેલાં નુકસાનને ઠીક કરવામાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. ખાસ કરીને પૂરના કારણે રસ્તા પર પડેલા ભૂવા અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેરની આગવી ઓળખ એવી એમ.એસ. યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર અને લક્ષ્મીવિલાસ પેલેસને આકર્ષક અને વિશિષ્ટ લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે અને સાથે ત્યાં રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વડોદરા શહેરના મુખ્ય માર્ગોની બંને બાજુની દીવાલો પર દોરવામાં આવેલા ગ્રેફિટી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે મહત્વાકાંક્ષી એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. આ એક ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ છે, જે સ્વદેશી વિમાનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનએ બે વર્ષ પહેલા, 30 ઓક્ટોબર, 2022ના રોજ વડોદરા ખાતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, અને આજે બરાબર બે વર્ષ પછી તેઓ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. આ બાબત તેમના એ વાક્યને ફરી એકવાર પ્રતિબિંબિત કરે છે, તેમના નેતૃત્વ હેઠળની સરકાર જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે છે, તેનું લોકાર્પણ પણ કરે છે. વડોદરા ખાતેનો ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાનોનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાનનુ નિમિત્ત બનશે.

દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે જ્યારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાચેઝ વડોદરા આવી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વ ભારત અને સ્પેનના મૈત્રીપૂર્ણ સંબંધોનું સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન, બંને દેશોની અત્યંત મહત્વની દ્વિપક્ષીય બેઠક બંને વડાપ્રધાનઓ વચ્ચે વડોદરામાં યોજાઈ રહી છે, જેના ઉપર સમગ્ર વિશ્વની નજર હશે. તેથી જ શહેરમાં સુરક્ષાની પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસકર્મીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા શહેરના દરેક મુખ્ય વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.