કેન્દ્રની મોદી સરકાર તરફથી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સૌ પ્રથમ ૧ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું
ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક એવા ભગવાન રામના મંદિર પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રતિબદ્ધતાને કોટિ કોટિ અભિનંદન પાઠવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિશે જણાવ્યું હતું કે, ૧૫ ટ્રસ્ટીઓવાળા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નિર્માણ કરવાનો અને તેમાં એક ટ્રસ્ટી હંમેશા કોઈ દલિત સમાજમાંથી રાખવાનો નિર્ણય ઐતિહાસિક છે. સામાજિક સૌહાર્દને મજબૂત કરતા આ અભૂતપૂર્વ પગલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અભિનંદનને પાત્ર છે. હવે કરોડો રામભક્તો ની સદીઓ જુની પ્રતિક્ષા બહુ ઝડપથી સમાપ્ત થશે. તેઓ ભગવાન રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના ફરીથી દર્શન કરી શકશે. રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ભારત સરકારે અયોધ્યામાં પ્રભુ રામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની પ્રતિબદ્ધતા બતાવતા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રામ મંદિર નિર્માણ અંગે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નિર્માણનો નિર્ણય પ્રત્યેક ભારતીયો અને હિન્દુઓ માટે ગૌરવ સમાન છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રચિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને પહેલાં દાન તરીકે ૧ રોકડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી મળ્યા છે જેથી કરીને ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણની દિશામાં કામ શરૂ કરી શકે. કેન્દ્ર સરકારની તરફથી આ દાન ટ્રસ્ટને ગૃહ મંત્રાલયમાં અગ્ર સચિવ ડી.મુર્મુએ આપ્યું છે. ટ્રસ્ટ અચલ સંપત્તિ સહિત કોઇપણ પ્રકારની શરત વગર કોઇપણ વ્યક્તિ પાસેથી કોઇપણ રીતે દાન, અનુદાન, અંશદાન, યોગદાન લઇ શકે છે. અયોધ્યામાં બનનારા ભગવાન રામના ઐતિહાસિક મંદિરના કારણે સમગ્ર ઉત્તરપ્રદેશનો વધુ વિકાસ થશે અને લોકોની અપેક્ષા મુજબનું ભવ્ય આધ્યાત્મિક પવિત્ર ભગવાન રામનું મંદિર નિર્માણ પામશે. રામ મંદિર નિર્માણ અંગેની તૈયારી હવે ટ્રસ્ટ બનવાથી વધુ વેગવંતી બનશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કામગીરી સર્વોચ્ચ અદાલત ના વરિષ્ઠ વકીલ અને ૯૨ વર્ષ ની વય ના પ્રખર રામભક્ત પરાશરણજી નીક અધ્યક્ષતામાં અયોધ્યામાં પ્રભુ રામની જન્મભૂમિ પર ભવ્ય-દિવ્ય મંદિરનું કાર્ય ટૂંક સમયમાં શરૂ થઈ જશે એવો વિશ્વાસ રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કર્યો હતો.