મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનું જાહેરનામું
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પ્લોટ કે ગ્રાઉન્ડ ભાડે રાખનાર અરજદારે ડિપોઝીટ પરત મેળવવા માટે વોર્ડના એસઆઈનું એનઓસી રજુ કરવાનું રહેશે તેવા મતલબનું જાહેરનામું આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.
મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જુદા-જુદા પ્લોટ ભાડે આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ભાડે રાખનાર અરજદારો દ્વારા ખુબ જ કચરો કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કચરાની સફાઈ કામગીરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કરવી પડે છે. જેના કારણે અન્ય કામગીરીમાં વિક્ષેપ ઉભો થાય છે. આજથી હવે પછી તમામ પ્લોટ કે ગ્રાઉન્ડ ભાડે રાખનાર અરજદારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્લોટની સંપૂર્ણ સફાઈ કરવાની રહેશે તેમજ જે-તે પાર્ટીએ ડિપોઝીટની રકમ પરત મેળવતા પહેલા સંબંધિત વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટરનું એનઓસી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે જો સફાઈ કરવા માટે વધારે પડતા માનવબળની જરૂરીયાત રહે તો એડમીન ચાર્જ વસુલવાનો રહેશે. એનઓસી પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ ડિપોઝીટ પરત મેળવવાની કાર્યવાહી થશે.