મેન્યુફેકચર્સની સાંસદ મોહન કુંડારીયાને રજૂઆત: સ્થાનિક માર્કેટમાં ડિમાન્ટ કરતા વધુ ઉત્પાદન હોવાથી એકસ્પોર્ટ ચાલુ કરવાની માંગ
રાજકોટમાં માસ્ક અને ગ્લોઝનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે પરંતુ એકસ્પોર્ટ બંધ હોવાથી મેન્યુફેકચર્સ ઉત્પાદન ઉપર રોક લગાવવા લાચાર બન્યા છે ત્યારે આ મામલે મેન્યુફેકચર્સ દ્વારા સાંસદ મોહન કુંડારીયાને રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ સરકારમાં એકસ્પોર્ટ ચાલુ કરાવવાની ભલામણ કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
આ અંગે તમામ નોન વુનન અને માસ્ક મેન્યુફેચર કરતી ફેકટરીઓના ડેલીગેશન વતી વિરેન્દ્ર પાનસરાએ જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં થ્રી લેયર માસ્ક, એન-૯૫ માસ્ક, નાઈટરાઈડ ગ્લોઝ, નોન વુનન ફેબરીક તથા પીપીઈ કીટ વગેરેની પુષ્કળ ડિમાન્ડ છે. પરંતુ ભારત દ્વારા આવી તમામ વસ્તુઓ એકસ્પોર્ટ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓ તમામ રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદીત થાય છે પરંતુ સરકારે એકસ્પોર્ડ ઉપર રોક લગાવી છે. જેથી ઈકોનોમીને ગંભીર નુકશાન પહોંચી રહ્યું છે, રોજગારી ઘટી રહી છે. એક તો અત્યારે માર્કેટમાં ભયંકર મંદી ચાલી રહી છે. ઉપરથી ભારે ડિમાન્ડમાં રહેલી વસ્તુના એકસ્પોર્ટ ઉપર પ્રતિબંધ મુકવો અયોગ્ય છે.
હાલ સમગ્ર દેશમાં આ મહામારીમાં ઉપયોગી એવી માસ્ક, ગ્લોઝ સહિતની વસ્તુનો જથ્થો જરૂરથી વધુ પ્રમાણમાં છે છતાં એકસ્પોર્ટ કરવા દેવામાં આવતું નથી. ખરેખર આ નિર્ણય ઈન્ડસ્ટ્રી સાથે અન્યાય કરતા છે અને પડ્યા પર પાટુ સમાન છે. આ વસ્તુઓનું એકસ્પોર્ટ પુરજોશમાં થવા લાગે તો દેશને ફરી બેઠો કરી શકાય તેમ છે. વિદેશી હુડીયામણની પણ વિશાળ આવક થઈ શકે તેમ છે માટે આ અંગે કેન્દ્રમાં ભલામણ કરવામાં આવે તેવી માંગ છે.