રોજની રપ થી ૩૦ ગાડીઓની આવક: અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, થાન સહિતના પંથકમાં જીંજરા મોકલાવાઇ છે: ચાલુ વર્ષે વધુ વાવેતરને પગલે આગામી દિવસોમાં બમ્પર આવક થશે
શિયાળાના આગમનની સાથો સાથ રાજકોટ શાકભાજી યાર્ડમાં લીલાછમ જિંજરાની પણ પુષ્કર આવક થવા લાગી છે. જિંજરાની આવકના પ્રારંભે રૂ. પ૦ થી ૬૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યા છે ચાલુ વર્ષે સારા વરસાદને પગલે ચણાનું પુષ્કળ વાવેતર થયું છે ત્યારે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં હજુ ડબલ આવક થવાની સંભાવના છે.
શિયાળામાં સૌ કોઇ ઉંધિયાની મજા માણે છે લીલાછમ શાકભાજી ઉધિયાના સ્વાદને વધુ ઓર મજેદાર બનાવે છે ત્યારે શિયાળાના આગમનને પગલે લીલાછમ શાકભાજીની સાથો સાથ ઉંધિયાનો સ્વાદ બેવડતા લીલાછમ જિંજરા પણ રાજકોટ શાકભાજી યાર્ડમાં આવી પહોચ્યા છે. છેલ્લા અઠવાડીયાથી શાકભાજી યાર્ડમાં જિંજરાનું આગમન થયું છે. રાજકોટ ડિસ્ટ્રીક ઉપરાંત લોધિકા, પડધરી તાલુકામાંથી હાલ જિંજરા આવી રહ્યા છે.
રાજકોટ શાકભાજી યાર્ડમાં દરરોજ વહેલી સવારથી બપોરના બે વાગ્યા સુધી જિંજરાની હરરાજી થઇ રહી છે. યાર્ડમાં કલવાતા જિંજરા હાલ સુરેન્દ્રનગર, મોરબી, થાન, અમદાવાદ સહિતના ડિસ્ટ્રીકટમાં મોકલાઇ રહ્યા છે. હાલ જિંજરાની રોજની રપ થી ૩૦ ગાડીઓ ઉતરી રહી છે.
જિંજરાની સીઝનના પ્રારંભે પ્રતિકિલોએ રૂ. પ૦ થી ૬૦ ના ભાવે વેચાઇ રહ્યાં છે. ચણાના બમ્પર ઉત્પાદનને પગલે હજુ જિંજરાની આવક ડબલથી વધુ થવાની શકયતા છે. આ ઉપરાંત રીંગણા, દુધી, કોબીજ, ફલાવર, મરચાં, લીંબુ, કોથમીર, મેથી સહિતની શાકભાજીની આવક વધતા ભાવો ઘટયાં છે.
આગામી દિવસોમાં પ્રતિદિન સરેરાશ ર૦૦૦ કિવન્ટલ આવકની શકયતા
‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન રાજકોટ શાકભાજી વિભાગના હેડ રસીકભાઇ લુણાગરીયાએ જણાવ્યું હતું કે હાલ પડધરી, લોધિકા, રાજકોટ ગ્રામ્યમાંથી જિંજરાની આવક શરૂ થઇ છે. હાલ પ્રતિમણ જિંજરાના ભાવો રૂ. ર૦૦ થી ૪૦૦ સુધીના બોલાય રહ્યા છે ચાલુ વર્ષે ચણાના બમ્પર વાવેતરને પગલે તેમજ હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં પ્રતિદિન સરેરાશ ર૦૦૦ કિવન્ટલ આવક આવવાની શકયતા છે.
સિઝનના પ્રારંભે જ જિંજરાની પુષ્કળ આવક: રાજુભાઇ ગજેરા
‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન શાકભાજી વિભાગના કલાર્ક રાજુભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડીયાથી જિંજરાની આવક શરુ થઇ છે. દરરોજ વહેલી સવારથી બપોરના બે વાગ્યા સુધી જિંજરાની હરરાજી થઇ રહી છે. સીઝનની શરુઆતમાં જ પુષ્કળ આવક થતા આગામી માસમાં જિંજરાની પુષ્કળ આવક થશે. હાલ સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના ડિસ્ટ્રીકટમાં જિંજરા મોકલાઇ રહ્યા છે અને હજુ ભાવો પણ ઘટવાની શકયતા છે.