ઘણા સમયથી બેકાબુ બનેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સમગ્ર દેશમાં ભારે ઘૂઘવાટ સર્જાયો છે. પણ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ જણાઈ રહ્યા છે. ઓપેકે ઉત્પાદન વધારી ક્રૂડના ભાવ અંકુશમાં રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે હજુ સરકાર પણ હકારાત્મક અભિગમ અપનાવી પેટ્રોલ ડીઝલ ઉપર ટેક્સ હળવો કરે તેવી પણ સંભાવના છે.
ઓપેક અને તેને લગત રાષ્ટ્રો પાંચ દેશો પર મૂકવામાં આવેલ ઉત્પાદનની મર્યાદા વધારવા માટે સંમત થઇ ગયા છે. યુએઇ દ્વારા ઉભા કરાયેલા આ વિવાદનો અંત આવી ગયો હતો.આ વિવાદને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પર અસર થઇ હતી. ઓપેક દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ઇરાક, કુવૈત, રશિયા, સઉદી અરેબિયા અને યુએઇ ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરશે. ઉત્પાદનમાં વધારો કરવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તેવી શક્યતા છે.
આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં આ અંગેની બેઠક નિષ્ફળ નિવડી હતી કારણકે યુએઇ પોતાનું ઉત્પાદન વધારવા માંગતુ હતું. સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને જણાવ્યું હતું કે ઓપેક અને સંબધિત દેશો વચ્ચે ક્રૂડના ઉત્પાદનની મર્યાદા અંગે સંમતિ સાધી લેવામાં આવી છે. જો કે તેમણે આ અંગેની વધુ વિગતો આપી ન હતી. યુએઇના ઉર્જા પ્રધાન સુહેલ અલ મજરુઇએ જણાવ્યું હતું કે ઓપેક અને સંબધિત દેશો વચ્ચે પૂર્ણ કરાર થઇ ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુએઇ આ સમૂહ માટે પ્રતિબદ્ધ છે અને હંમેશા તેની સાથે કામ કરશે. અમે બજાર સંતુલન અને સૌની મદદ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી કરીશું.કોરોના વાઇરસ મહામારીને કારણે જેટ ઇંધણ અને વાહન ઇંધણની વપરાશ ઘટવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં વેક્સિનેશનની ઝડપમાં સુધારો જોવા મળતા ક્રૂડ ઓઇલની માગમાં વધારો જોવા મળ્યો છે.