પહેલા નાના કે મોટા શહેરોમાં બાળકોને રમત-ગમત માટે મોટા મેદાનો જોવા મળતા હતા: આવનારી પેઢીના શારીરીક વિકાસ માટે આવા ગ્રાઉન્ડનું ઘણું મહત્વ હોય છે: વૃક્ષો કપાતા ગયાને વિશાળ ગ્રાઉન્ડ પણ ખોવાય ગયા
ખુલ્લા વિશાળ ગ્રાઉન્ડમાં રમતા બાળકોનો સંર્વાંગી વિકાસ ઝડપી થતો હતો: આજે તો તેની સામે નાના-નાના પાર્ક તેનું સ્થાન લઇ લીધું છે
બાળકો રમે-કૂદે કે ખૂલ્લા મેદાનમાં દોડા દોડી કરે કે વિવિધ આઉટડોર ગેઇમ્સ રમે તો તેનો વિકાસ ઝડપી થતો હતો. આજના યુગમાં વિશાળ ગગનચૂંબી ઇમારતોના સિમેન્ટના જંગલોમાં વૃક્ષો તો કપાયા સાથે બાળકોને માટે રમવાના વિશાળ મેદાન પણ લુપ્ત થઇ ગયા છે. છેલ્લા બે-ત્રણ દાયકાથી આપણને આવા ગ્રાઉન્ડની ખોટ પડી રહી છે. આવનારી પેઢીનો શ્રેષ્ઠ શારીરીક વિકાસ આ રમતના મેદાનો થકી જ થતો હોય છે. આજે નાના કે મોટા શહેરોમાં બધે જ આ હાલત જોવા મળી રહી છે. વર્ષોથી પાણીના નિકાલ માટે જેમ હોંકળા હતા તે અત્યારે બુરાઇ જવાથી પાણી ભરાવાના વિવિધ પ્રશ્ર્નો આપણે ચોમાસામાં જોઇએ છીએ.
જૂની શાળાઓ કે હાલની સરકારી શાળામાં જ બાળકોને રમવાના વિશાળ ગ્રાઉન્ડ જોવા મળે છે. ખાનગી શાળામાં ક્યાંય ગ્રાઉન્ડ હોતા જ નથી, હા શહેરની બારોબારની શાળાઓ હવે ગ્રાઉન્ડવાળી જોવા મળે છે. બાળકોનો સામાજીક, માનસિક કે શારિરીક વિકાસ આવા ગ્રાઉન્ડોમાં વિવિધ રમતો રમવાથી જ થતો જોવા મળે છે. મારૂં-તમારૂં કે સૌના બચપણનો ખરો પાયો આવા ગ્રાઉન્ડમાં રમવાથી જ થયો હતો. નારગોલ, ક્રિકેટ, ફૂટબોલ, વોલીવોલ, કબ્બડી જેવી વિવિધ રમતો માટે મોટા ગ્રાઉન્ડ જ હોવા જોઇએ. શિક્ષણમાં પણ શારીરીક શિક્ષણનું મહત્વ હોવાથી વ્યાયામ કે સ્પોર્ટ્સ જેવા તાસ માસિક આયોજનોમાં સમાવાય છે.
તરંગ-ઉલ્લાસમય અભ્યાસક્રમનો પાયો જ આવા ગ્રાઉન્ડ હોવાથી જૂના શિક્ષણની બોલબાલા હતી. આજે તો શાળામાં કોઇ ગ્રાઉન્ડ કે મેદાન જ ન હોય ત્યાં છાત્રો રિસેષ કે રજાઓમાં ક્યાં રમવા જવાના છે. વૃક્ષોની સાથે ગ્રાઉન્ડો પણ કપાતા ગયાને આજે તો નાના-મોટા શહેરોમાં ગ્રાઉન્ડ શોધવા જાવ તો મળતા નથી. શહેરથી 10 કિ.મી. દૂર આજે રવિવારે યુવાવર્ગ ક્રિકેટ રમવા જાય છે.
સહઅભ્યાસિક પ્રવૃતિમાં રમત-ગમતનું વિશેષ મહત્વ હોવાથી જો બાળક પુસ્તકિયા શિક્ષણ પછી નિજાનંદ માટે મુક્ત વાતાવરણમાં ખુલ્લા વિશાળ ગ્રાઉન્ડમાં સવારે કે સાંજે બે કલાક રમે તો જ તેનો શ્રેષ્ઠ વિકાસ સાથે શ્રેષ્ઠ નાગરિક ઘડતર થઇ શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાને મંજૂરી પણ ગ્રાઉન્ડ હોય તો જ મળે તેવો નિયમ હોવા છતાં આજે શાળાઓમાં ગ્રાઉન્ડ જોવા મળતા નથી. શાળા તો ઠીક શહેરોમાં પણ ગ્રાઉન્ડના વિવિધ ઉપયોગ કરીને લુપ્ત કરી દીધા છે.
દરેક નાના-મોટા શહેરોમાં કબ્બડી, ખોખો જેવી વિવિધ રમતોના હજારો ખેલાડી હોય છે પણ તેને રમવા મેદાન હોતા નથી. સ્પોર્ટ્સના સંર્વાંગી વિકાસ માટે એથ્લેટિક્સ, રનીંગ, બાસ્કેટ બોલ, હોકી, ટેનીસ, ફૂટબોલ, ક્રિકેટ જેવી વિવિધ રમતોના ગ્રાઉન્ડ હોવા જરૂરી છે. ભાવી રમતવીરોને પ્રેક્ટીસ માટે આવા ગ્રાઉન્ડ સ્વર્ગ સમાન હોય છે. ગામ કે શહેરનાં વિકાસની ભાવી ફ્રેમ બનાવાય ત્યારે જ તેમાં આવા ગ્રાઉન્ડનું આયોજન વિચારવું પડે છે. આડેધડ બંધાતા મકાનો, ફ્લેટોમાં આવા ગ્રાઉન્ડની યોજના દબાઇ જતી હોય છે.
વર્ષોથી આપણે જે ગામ કે શહેરોમાં રહેતા હોય ત્યાંનું બે-ત્રણ દશકા પહેલાનો નજારો યાદ કરો તો ઘણા વિશાળ ગ્રાઉન્ડ, બાગ-બગીચા જોવા મળતા હતા જે આજે લુપ્ત થઇ ગયા છે. આજના મા-બાપો પણ સંતાનોને લાડ પ્યારથી ઉછેરતા હોવાથી બહાર રમવાનો મોકો આપતા જ નથી. બાળકો ધૂળમાં કે ખુલ્લા ગ્રાઉન્ડમાં રમે, હરેફરે, દોડાદોડી કરશે તો જ તેનો વિકાસ થઇ શકશે તે વાત મા-બાપે સમજવાની જરૂર છે.
પહેલા તો સાયકલ શીખવા પણ ખુલ્લા ગ્રાઉન્ડમાં જતા જે વાત આજે ભૂતકાળ થઇ ગઇ છે.
અત્યારે તો ગમે તે શહેર કે ગામમાં રમત-ગમત માટે ગણ્યા-ગાંઠ્યા મેદાનો બચ્યાં છે એ પણ વિવિધ દબાણોના શિકાર થઇ ગયા છે. બાળકોમાં ખેલકૂદનું કૌશલ્ય વિકસાવવા શિક્ષણ સાથે આવી ઇત્તરપ્રવૃતિનું વિશેષ મહત્વ હોય છે. ગમે તે શહેર સ્પોર્ટ્સની આઉટડોર ગેઇમ્સના મેદાનો વગર અધુરૂં ગણાય છે.
જૂની ગમે તે શાળા તમે જોશો તો તેમાં વિશાળ ગ્રાઉન્ડ જોવા મળશે જ.
આઉટડોર ગેઇમ્સથી બાળકોનો વિકાસ ઝડપી !!
આજકાલના છાત્રો કે દેશના ભાવી નાગરિકોનો સંર્વાંગી વિકાસ આઉટડોર ગેઇમ્સ થકી જ થતો જોવા મળે છે. શિક્ષણમાં ઇત્તરપ્રવૃતિનું વિશેષ મહત્વ હોય છે. ગ્રાઉન્ડ વગરની શાળામાં બાળકોને શ્રેષ્ઠ વિકાસ ક્યારેય ન થઇ શકે. બાળપણ કે પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક કે હાઇસ્કૂલના શાળાકીય જીવનમાં ગ્રાઉન્ડનું વિશેષ મહત્વ હોય છે. ઇનડોર ગેઇમ્સ તો તમે ગમે ત્યાં રમી શકો પણ આઉટડોર ગેઇમ્સ માટે ગ્રાઉન્ડ હોવું જરૂરી છે. શારીરીક વિકાસ માટે વિવિધ રમતોનું કૌશલ્ય છાત્રોએ કેળવવું જ પડે છે. સામાજીક, માનસિક સાથે શારીરીક વિકાસનું પણ એટલું જ મહત્વ છે જે વિવિધ રમત-ખેલકૂદના કૌશલ્યથી આવે છે. આવનારી પેઢી માટે વિશાળ ગ્રાઉન્ડની સવલતો થકી જ તેના શ્રેષ્ઠ વિકાસમાં આપણે મદદરૂપ થઇ શકીએ છીએ. બાળકને ભણવાની સાથે ભાઇબંધો સાથે રમવું-કૂદવું બહુ જ ગમતું હોય છે. તેનાથી ઘણા ગુણો પણ વિકસી શકે છે.