ગરૂડની ગરબી, કોઠારીયા નાકા, ધોળકિયા સ્કૂલ્સ સહિતની પ્રાચીન ગરબી નિહાળવા લોકો ઉમટ્યાં
નવલા નોરતાનો રંગે ચંગે પ્રારંભ થયો છે. આજે ત્રીજુ નોરતુ છે ત્યારે છેલ્લા બે દિવસથી પ્રાચીન ગરબીમાં અવનવા રાસોની રમઝટ બોલે છે. શહેરની સુપ્રસિધ્ધ ગરબી મંડળની બાળાઓના રાસોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. આ વર્ષે સરકારની ગાઇડલાઇન મુજબ પાર્ટી પ્લોટમાં અર્વાચીન રાસોત્સવ પર પ્રતિબંધ છે ત્યારે લોકો પ્રાચીન ગરબી નિહાળી ઉત્સવ મનાવી રહ્યાં છે.
શહેરની સૌથી જૂની ગરૂડની ગરબી માટે લોકોનું આકર્ષણ રહે છે. અહીં રાસ નિહાળવાની સાથે બાળકો ગરૂડમાં બેસવાની મજા માણે છે. આ ઉપરાંત કોઠારીયા નાકા પાસેની પ્રાચીન ગરબીમાં દરરોજ અવનવા રાસો રજૂ થાય છે.
જેમાં ગઇકાલે ભાલા-તલવાર, મસાલ અને દાંડિયા સાથેનો રાસ બાળાઓએ લીધો હતો. આ ઉપરાંત શહેરની અનેક પ્રાચીન ગરબીઓ લોકોમાં આકર્ષણ ઉભું કરી રહી છે.
ધોળકિયા સ્કૂલ્સના નેજા હેઠળ પ્રાચીન નવરાત્રી મહોત્સવ સતત સાત વર્ષથી ભવ્ય રીતે ઉજવાય રહ્યો છે. ત્યારે ગઇકાલે મુખ્ય અતિથિ રામકૃષ્ણ આશ્રમના ગુજરાતી ફિલ્મ યુવા સરકારના મુખ્ય હિરોની ભૂમિકા ભજવનાર હર્ષલ માકડ, લીડ એક્ટરી હર્ષિત ઢેબર તેમજ સોશિયલ મીડીયા મેનેજર ચેતસ ઓઝા હાજર રહી બાળા સ્વરૂપે રહેલી નાની-નાની માં જગદંબાની પ્રતિકૃતિને આર્શિવચન પાઠવી માતાજીને ફુલહાર કર્યા હતાં. બાદમાં માં જગદંબાના આર્શિવાદ ગ્રહણ કર્યા હતાં.
શિક્ષણ, સંસ્કાર અને નેતૃત્વના ત્રિવેણી સંગમને બખૂબી નિભાવવા શાળા હરહંમેશ કટિબધ્ધ રહી છે ત્યારે પ્રાચીન સંસ્કૃતિ અને વિસરતી જતી ચાચર ચોકની ગરબીની શોભામાં અનેરો અને અદ્ભૂત ઉત્સાહ જગાડતા એક થી એક ચડિયાતા જેવા કે આદ્યશક્તિની સ્તુતિ વંદના કરી હતી. તું કાળીને કલ્યાણી રે મા……, કનૈયા મુરલીવાળા….., મોગલ રાસ….., ઘોર અંઘારી રે….., કુમ કુમ કેરા પગલે……, માડી તારા મંદિરીયામાં (ઘંટ-રાસ) વગેરે રાસ ગરબાની રમઝટથી તથા આદ્યશક્તિના ભક્તગણની તાલીઓના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.