અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભૂજ, મણીનગર અને સાબરમતી સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 10થી વધારી 30 કરાયો
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્રીજી લહેરના આરંભે જ કૂદકે અને ભૂસકે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા આજથી સાત સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયાથી વધારી 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
પશ્ર્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કોરોનાના ફેલાવાને રોકવા અને રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી આજથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભૂજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઇ રૂપથી રૂા.10 થી વધારીને રૂા.30 કરવામાં આવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઇડલાઇનનું પાલન કરે.
આ પૂર્વ પણ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે રેલવે સ્ટેશન પર ખોટી ભીડ એકઠી ન થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સંક્રમણ ઘટતા પ્લેટફોર્મ ટિકિટના ભાવ ફરી ઘટાડી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે ત્રીજી લહેરના આરંભ સાથે જ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે જો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એકપણ સ્ટેશન પર હજી પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ જે રિતે સંક્રમણ વધી રહ્યું છે તે જોતા આગામી દિવસોમાં પ્લેટફોર્મની ટિકિટના દરોમાં વધારો કરવામાં આવે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે.