પરાબજાર, ગોંડલ રોડ, દાણાપીઠ, જયુબીલી રોડ, કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ પર ચેકિંગમાં ૧૮૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉત્પાદન, વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાસ્ટીક મુકત રાજકોટ અભિયાન અંતર્ગત આજે સોલીડ વેસ્ટ શાખાની ૪ ટીમ દ્વારા શહેરના સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જુદા-જુદા વિસ્તારોમાં પાન-પીસ પ્લાસ્ટીકના વેપારીઓ, પાનની દુકાન, ચાની લારી સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૦ આસામીઓ પાસેથી રૂ.૮૯,૨૫૭ દંડ વસુલ કરી ૧૮૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.
શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પરાબજાર, ગોંડલ રોડ, કોર્ટ ચોક, દાણાપીઠ, જયુબીલી રોડ, કૃષ્ણનગર રોડ જેવા વિસ્તારોમાં ૪૨ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટીકના પાન-પીસ, ચાના પ્લાસ્ટીકના કપ સહિત ૧૭૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આસામીઓ પાસેથી રૂ.૭૫,૦૯૦ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે વેસ્ટ ઝોન વિસ્તારમાં કાલાવડ રોડ, મવડી રોડ, ૧૫૦ ફુટ રીંગ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને નાનામૌવા રોડ સહિતના વિસ્તારોમાં ૨૮ આસામીઓ પાસેથી ચેકિંગ દરમિયાન ૧૫ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.૧૪,૧૭૬ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.