દેશમાં હાલમાં જુવાળ ચાલ્યો છે.. મંદી, મોદી અને ઝબલાં. ઉપાડો કચરાના ઢગલાં..! દેશ સ્વચ્છ હોય તો સૌને ગમે, સ્વચ્છતા અંગે જાગૄતિ આવે તે પણ સારી વાત છે. દેશમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે, પ્રદુષણમાં ઘટાડો થાય, સૌનું સ્વાસ્થ્ય સુધરે અને પર્યાવરણને ફાયદો થાય તે માટે પણ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો જોઇએ. પણ આ બધાની સાથે પ્લાસ્ટિક પર પ્રતિબંધનો નિર્ણય દેશની મરવા પડેલી ઇકોનોમી માટે મડાં પર વિજળી પડવા સમાન સાબિત થઇ રહ્યો છે. કારણકે ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન કરી શકે છે. દેશમાં આશરે ૪.૦ લાખ કરોડ રૂપિયાની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે. જેની સાથે સાડા ચાર લાખ થી વધારે પરિવારની રોજી, આશરે ૨૦ લાખ લોકોની રોટીનો અને કરોડોની સુવિધા જોડાયેલ છે. આજની આપણી સમાજ વ્યવસ્થા એવું કહે છે કે દેશને રાતોરાત સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરવો અશક્ય છે. પણ આપણા દેશનાં તાલિમ પામેલા ભક્તો ને તો બસ  મોદીજી બોલ્યા, મોદીજી એ પ્લાસ્ટિકની બોટલો અને કચરો ઉપાડ્યા એટલે ખલ્લાસ યા હોમ કરીને કુદી પડો!

વૈશ્વિક સ્તરે આશરે ૬૦ દેશો છે જ્યાં પ્લાસ્ટિકનો આંશિક અથવા તો સંપૂર્ણ પ્રતિબંધ છે. અમેરિકાનાં સાન ફ્રાન્સીસ્કો તથા સિયેટલ સહિતનાં ઘણા શહેરોમાં સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનાં વપરાશ પર પ્રતિબંધ છે, જ્યારે વોશિંગ્ટન D C તથા બોસ્ટનમાં પ્લાસ્ટિક પર ભારે ટેક્ષ છે પણ પ્રતિબંધ નથી.  ભારતમાં પણ સરકારે જે કોઇ ધારાધોરણો આપ્યા છે તે હજુ સ્પષ્ટ નથી. આશરે ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો કારોબાર કરતી આ ઇન્ડસ્ટ્રી રાતોરાત બંધ થાય તો દેશમાં કેવી બેકારી આવે તેની કલ્પના કરી જુઓ. અને એ પણ આજની કારમી મંદીમાં..!

આંકડા જોઇએ તો ભારતમાં વર્ષે આશરે ૧૪૦ લાખ ટન પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. આજે આપણી ઇન્ડસ્ટ્રીમાં અને રોજીંદા વ્યવહારમાં પ્લાસ્ટિક છે. ભારત સરકારને વિવિધ પ્લાસ્ટિક એશોસિએશનો દ્વારા થયેલી રજૂઆતો પ્રમાણે સરકાર પણ દેશમાંથી પ્લાસ્ટિકને સંપૂર્ણ પણે નાબુદ કરવાની હઠ પકડીને બેઠી નથી. પણ ગેરસમજણોએ સૌને પરેશાન કર્યા છે. અહી એક ઓપ્શન છે EPR એટલે કે એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સીબીલીટી નો. વાત એવી છે કે જે કોઇ મેન્યુફેક્ચરીંગ કંપની જેટલું પ્લાસ્ટિક બનાવે તેનું રિ-કલેક્શન કરીને તેનો ફરી વપરાશ કરવાની જવાબદારી એ કંપની માથે જ નાખવાની વાત છે, એજ રીતે જે દુકાનદાર પ્લાસ્ટીક વેચે તેને ગ્રાહક પાસેથી એ પ્લાસ્ટિક પાછું લેવાની જવાબદારી સોંપવાની દરખાસ્ત છે પણ આવા સંજોગોમાં કેરીંગ તથા ટ્રાન્પોર્ટેશન અને મેનપાવર કોસ્ટ કોણ ભોગવે તે એક મોટી સમસ્યા છે. કારણકે કેટલા યુનિટમાં કેટલું પ્લાસ્ટિક ઉત્પાદિત થયું અને કેટલું પાછું આવ્યું તેનો રેકોર્ડ રાખવા ઉપરાંત ગ્રાહકો એક જ કંપનીનો માલ પાછો લાવશે કે કેમ તેની ખાતરી કેવી રીતે કરવી તે પણ એક સમસ્યા છે.

પ્લાસ્ટિક ઉત્પાદકને નવા ઉત્પાદનમાં ૨૦ ટકા માલ જુના પ્લાસ્ટિકમાંથી બનાવાયેલા દાણાનો વાપરવાનો કાયદો કરવાની પણ વાત છે. આમ સરકાર હાલમાં સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા માગે છે પણ તેની વ્યાખ્યા હજુ સ્પષ્ટ થઇ શકતી નથી.

અત્રે ખાસ નોંધનીય વાત તો એ છે કે ઇન્ડસ્ટ્રીયલ પેકિંગમાં વપરાનારા પ્લાસ્ટિકમાં ખાદ્ય પદાર્થો કે માનવ શરીર સાથે પ્લાસ્ટિક ક્યારેય સંપર્કમાં આવવાનું નથી. તેથી સરકાર આવા પેકિંગના માલ માટે પરવાનગી આપી શકે છે. એમ તો ભારે વિરોધ, સરકારી અધિકારીઓની કનડગતની બીક અને અસ્પષ્ટતાના કારણે તાજેતરમાં પ્રકાશ જાવડેકરનું નિવેદન આવ્યું હતું જેમાં સાફ કહેવાયું છે કે દેશમા રોજ ૩૦૦૦૦ ટન પ્લાસ્ટિક પ્રોડ્યુસ થાય છે જેમાંથી કચરો વિણનારાઓ ૨૦૦૦૦ ટન જ પાછો કલેક્ટ કરે છે. તેઓ ખાસ કરીને શાકભાજી, કરિયાણા અને દવાઓ લઇ જતાં ગ્રાહકો માટે વપરાતાં પાતળા ઝબલાની થેલી ઉપાડતા નથી કારણ કે તેનું વજન બહુ ઓછું હોય છે. તેમને એક કિલો ઝબલાં ભેગા કરવા માટે ૪૦૦ વાર નીચે વળવું પડે છે. આવા સંજોગોમાં સરકાર નાની બોટલ, પાતળી ઝબલાં થેલી, કપ, પ્લેટ, સ્ટ્રો, અને પાનમસાલા જેવી વસ્તુઓનાં પાઉચ ઉપર પ્રતિબંધ મુકે તેને ઇન્ડસ્ટ્રી પણ આવકાર આપશે. પરંતુ હાલમાં પ્લાસ્ટિક વપરાશના મુદ્દે તુંડે તુંડે મતિ ર્ભિન્ના જેવા હાલ છે. દરેક રાજ્યમાં અધિકારીઓ પોતપોતાના લોજીક આપીને વેપારીઓની અને ઉત્પાદકોની પરેશાની વધારી શકે છે. તેથી દિવાળી પહેલા જ દેશમાં આશરે ૧૦૦૦૦ જેટલા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ યુનિટ બંધ થઇ ગયા છે. હાલની મંદીમાં કમસેકમ સરકારે નીતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રોજગાર બંધ થાય તેવી કાર્યવાહી ન કરવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.