પ્રથમ વખત, જાપાની વૈજ્ઞાનિકોને વાદળોમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરીના પુરાવા મળ્યા છે, જે મહાસાગરો દ્વારા પહોંચે છે. આ માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ માટે અત્યંત હાનિકારક અને જોખમી સાબિત થઈ શકે છે. સંશોધકો માને છે કે આ આબોહવા અને દરિયાઇ ઇકોસિસ્ટમ પર ગંભીર અસર કરી શકે છે.
દર વર્ષે લગભગ 10 મિલિયન ટન પ્લાસ્ટિકના ટુકડા જમીનમાંથી નદીઓ અને પૂરના પાણી દ્વારા સમુદ્ર સુધી પહોંચે છે, જ્યાંથી તેઓ વાતાવરણમાં પ્રવેશ કરે છે. વાદળોમાં તેમની હાજરી એક મહાન ભય સૂચવે છે. એકવાર આ કણો વાદળો સુધી પહોંચે છે, તે ’પ્લાસ્ટિક વરસાદ’ના રૂપમાં પૃથ્વી પર પાછા પડે છે. આ રીતે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ અને પીતા હોઈએ છીએ તે તેને દૂષિત કરે છે. એન્વાયર્નમેન્ટલ કેમિસ્ટ્રી લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, સંશોધકોએ માઉન્ટ ફુજીના શિખર તેમજ તેની દક્ષિણપૂર્વ તળેટી અને 1,300 થી 3,776 મીટરની ઊંચાઈએ માઉન્ટ ઓયામાના શિખર પરથી લેવામાં આવેલા વાદળના પાણીના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું. વૈજ્ઞાનિકોએ તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની તપાસ માટે ઇમેજિંગ ટેક્નોલોજીની મદદ લીધી છે.
વાદળોમાંથી મળેલા નમૂનાઓમાં કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ જેવા માઇક્રોપ્લાસ્ટિક્સ પણ મળી આવ્યા છે જે પાણીને આકર્ષવાની લાક્ષણિકતા ધરાવે છે. આનો અર્થ એ છે કે તેઓએ વાદળો, બરફ અને પાણીના ટીપાંની રચનામાં ભૂમિકા ભજવી હશે. સંશોધન દર્શાવે છે કે ખૂબ જ ઊંચાઈએ માઇક્રોપ્લાસ્ટિક માત્ર વાદળોની રચનાને જ નહીં પરંતુ આબોહવાને પણ અસર કરી શકે છે.
રિસર્ચ દરમિયાન આ હકીકત પણ સામે આવી છે કે એકવાર પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો ઉપરના વાતાવરણમાં પહોંચ્યા પછી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગના સંપર્કમાં આવ્યા બાદ તે તૂટવા લાગે છે. આને કારણે, ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે જે આબોહવામાં પરિવર્તનને નોંધપાત્ર રીતે તીવ્ર બનાવી શકે છે.
પ્લાસ્ટિકના આ સૂક્ષ્મ કણોને માનવ શરીરમાં પ્રવેશવાનો માર્ગ પણ મળી ગયો છે. અત્યાર સુધી ફેફસાં, પ્લેસેન્ટા, હૃદય, નસ અને લોહીમાં તેની હાજરીના પુરાવા પણ સામે આવ્યા છે. સંશોધકોના મતે, તે મનુષ્યમાં હૃદય અને ફેફસા સંબંધિત રોગો તેમજ કેન્સરનું કારણ બની શકે છે.
લોહીમાં પણ… એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, લોકોના લોહીમાં પોલિઇથિલિન ટેરેફ્થાલેટ અને સ્ટાયરીન પોલિમરથી બનેલા માઇક્રોપ્લાસ્ટિક્સ હાજર હોય છે. લોકોના બ્લડ સેમ્પલ પરથી ખબર પડી કે લગભગ 80% લોકોના લોહીમાં પ્લાસ્ટિકના નિશાન હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું આ માઇક્રોપ્લાસ્ટિક્સ લોહીમાંથી બહાર આવીને અંગોમાં જમા થઈ શકે છે અને ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. બિસ્ફેનોલ-એ કેમિકલનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવામાં થાય છે જે માઇક્રોપ્લાસ્ટિકમાં જોવા મળે છે. આના કારણે કેન્સરનો ખતરો પણ રહે છે. લોહીમાં પ્લાસ્ટિકના કણો હોવાથી બ્લડપ્રેશર વધવાની ભીતિ છે.