કિશાનપરા ચોક અને સર્વેશ્વર ચોકમાં મુકાયેલા મશીનમાં ત્રણ દિવસમાં ૧૯૮ પ્લાસ્ટીકની બોટલનો નિકાલ
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં કોર્પોરેશન દ્વારા રીવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવી રહ્યા છે જેમાં પ્લાસ્ટીકની ખાલી બોટલોનો નિકાલ કરનાર વ્યકિતને ૨૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કિશાનપરા અને સર્વેશ્વર ચોકમાં મુકવામાં આવેલા આ મશીનમાં ત્રણ દિવસમાં ૧૯૮ જેટલી પ્લાસ્ટીકની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત મહાપાલિકા દ્વારા શહેરમાં હાલ બે સ્થળે રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે જેમાં કિશાનપરા ચોક અને સર્વેશ્વર ચોકનો સમાવેશ થાય છે.
ખાલી બોટલોનો નિકાલ લોકો રાજમાર્ગો પર ન કરે તે માટે આ મશીનમાં બોટલનો નિકાલ કરનાર લોકોને ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બંને સ્થળે કુલ ૧૯૮ બોટલોનો નિકાલ થયો છે. રિવર્સ વેન્ડીંગ મશીનમાં બોટલનો નિકાલ કરનાર આસામીને ટોમેટોઝ રેસ્ટોરન્ટ દ્વારા ૫ થી ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ, સિલેકશન ગાર્મેન્ટ દ્વારા કપડાની ખરીદી પર ૨૦ ટકાનું ડિસ્કાઉન્ટ કુપન, મોરીસ રેસ્ટોરન્ટ દ્વારા ડાયનીંગ અને હોટલમાં ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ, બ્લેક પર્લ રેસ્ટોરન્ટ દ્વારા ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ અને નવજીવન આઈસ્ક્રીમમાં ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.