વન અભ્યારણોમાં પ્લાસ્ટીક બોટલ, પ્લાસ્ટીકના પાણીના પાઉંચ પર પ્રતિબંધ મુકતુ ગુજરાત ફોરેસ્ટ વિભાગ
ગુજરાત સરકાર દ્વારા વન અભ્યારણોમાં પ્લાસ્ટીક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો વન અભ્યારણોમાં પ્લાસ્ટીકની બોટલ, પ્લાસ્ટીકના પાણીના પાઉંચ જેવી ચિજ-વસ્તુઓ અભ્યારણોમાં લઈ જવા પર ગુજરાત ફોરેસ્ટ વિભાગે પ્રતિબંધ મુકયો છે.
વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ પ્લાસ્ટીકની ચિજ-વસ્તુઓ સેન્ચ્યુરીમાં લઈ જવામાં નહીં આવે અને તેનો નિકાલ પણ કરવામાં નહીં આવે. આ નિયમ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ ૧૯૭૨ તહત લેવામાં આવ્યો છે.
આ નિર્ણય લેવાનું મુખ્ય કારણ એ પણ સામે આવે છે કે, લોકો વન અભ્યારણોમાં જઈ પ્લાસ્ટીકનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે અને ત્યાં તેનો નિકાલ પણ કરતા હોય છે. જેના કારણે વન્ય પ્રાણીઓ તેનુ સેવન કરતા તેઓને અનેકવિધ રોગો થતા જોવા મળે છે અને મૃત્યુને પણ તેઓ ભેટે છે. છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટીકનો વપરાશ વધતાની સાથો સાથ વન્ય પ્રાણીઓના મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે.
સરકાર દ્વારા એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે, જે કોઈ યાત્રીકો અભ્યારણમાં જયારે ફરવા નીકળ્યા હોય અને તેમના દ્વારા જો કોઈ પણ સ્થળ પર પ્લાસ્ટીક ગરકાવવામાં આવે તો તેને ત્યાંથી હટાવવાની જવાબદારી ટુર ઓપરેટર અને ડ્રાઈવરની બની રહેશે. નળ સરોવરમાં પણ આશરે ૮૦૦ કિલો જેટલું પ્લાસ્ટીક પાણીના તટ પરથી એકઠુ કરવામાં આવ્યું છે. જેમાં સ્વયં સેવકો દ્વારા મહત્વપૂર્ણ ભાગ ભજવવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા લોકો અને પ્રવાસીઓમાં જાગૃતતા કેળવવા માટે બે ગામડાઓને પ્લાસ્ટીક મુકત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત લોકો મુખ્યત્વે કોઈપણ નિયમ રાજયના સંરક્ષણ માટે બનતા હોય છે તો તેમાંથી પણ તે બચી નિયમોનો ભંગ કરતા નજરે પડે છે.
જેની માઠી અસર વન્ય પ્રાણીઓ પર થતી જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓના મૃત્યુઆંકમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળ્યો છે જેનું કારણ એક તો પ્લાસ્ટીકનું સેવન કરતા હોવાનું પણ સામે આવ્યું છે જે ખુબજ દુ:ખદ ઘટના માની શકાય ત્યારે ગુજરાતના ફોરેસ્ટ મંત્રાલય દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં જોવાનું એ રહ્યું કે, યાત્રીકો અને લોકો તેનુ કેટલા અંશે પાલન કરે છે કે કેમ.