મહારાષ્ટ્રનાં ૨૫૦૦ બેગ ઉત્પાદકો રાતો-રાત કામ ધંધા વગરના બન્યાં
મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનાં વપરાશકર્તા પહેલીવાર પકડાય તો પાંચ હજાર બીજીવાર પકડાય તો ૧૦ હજાર અને ત્રીજી વાર પકડાય તો ૨૫૦૦૦નો દંડ
૨૫ માર્ચથી મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે પ્લાસ્ટીકના ઝબલા, કપ, થર્માકોલ સહિતની પ્લાસ્ટીકની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેતા પ્લાસ્ટીક ઉધોગને ૧૫૦૦૦ કરોડનો ફટકો પડવા સાથે-સાથે ત્રણ લાખ લોકોએ નોકરી ગુમાવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૩ માર્ચથી સમગ્ર રાજયમાં પ્લાસ્ટીકની સામગ્રીના ઉત્પાદન, ઉપયોગ, વેચાણ, વિતપડી અને સંગ્રહ પર પ્રતિબંધ મુકયો હતો અને ઉત્પાદકો વેચાણકર્તાઓને ત્રણ મહિનામાં પોતાની પાસે રહેલો સ્ટોક ખાલી કરવા ત્રણ માસની મુદત આપી હતી. જે ૨૩ જુનના રોજ પૂર્ણ થતા મહારાષ્ટ્રના પ્લાસ્ટીક ઉત્પાદકો રાતો-રાત નવરાધુપ બની ગયા છે.
વધુમાં મહારાષ્ટ્ર સરકારના આ પ્રતિબંધને પગલે સમગ્ર રાજયમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલા, ચાના કપ, ચમચી, પ્લેટ, પીઈટીઈ બોટલ અને થર્મોકોલની વસ્તુઓના વેચાણ, વપરાશ અને ઉત્પાદક ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પ્લાસ્ટીક બેગ મેન્યુફેકચર એસોસીએશનના સેક્રેટરી નિમિત પનામીપાલે જણાવ્યું હતું કે, પ્લાસ્ટીક પ્રતિબંધને કારણે એકલા મહારાષ્ટ્રમાં જ પ્લાસ્ટીક ઉધોગને ૧૫૦૦૦ કરોડનું નુકસાન થયું છે અને અંદાજે ત્રણ લાખ લોકો જે જેઓ પ્લાસ્ટીકમાંથી રોજીરોટી મેળવતા હતા તેઓ બેરોજગાર બન્યા હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટીક પરના પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટીક ફેકટરી ધરાવતા ૨૫૦૦ ઉધોગકારોને રાતોરાત પોતાના ઉધોગ ધંધા બંધ કરવા પડયા છે અને અચાનક જ બંધ થયેલા ઉધોગ ધંધાને કારણે મહારાષ્ટ્રની બેંકોને પણ લોન વસુલાતમાં ફટકો પડે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.
પ્લાસ્ટીક પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રનાં વેપારી, ઉધોગપતિ અને કામદારોને થયેલી અસરને કારણે મહારાષ્ટ્રના જીડીપીને માઠી અસર પહોંચે તેમ હોવાની દહેશત પણ પ્લાસ્ટીક એસોસીએશન દ્વારા વ્યકત કરવામાં આવી.