નવા જીડીસીઆર મુજબ ૧૦૦ ચો.મી. જમીન દીઠ એક વૃક્ષ વાવવું ફરજિયાત: ડિપોઝીટ માત્ર ૫૦૦ ‚પિયા જ હોવાનાં કારણે બિલ્ડરો વૃક્ષારોપણ કરતાં નથી: ટીપી શાખા પણ કમ્પ્લીશન સર્ટીફીકેટ આપતી વેળાએ વૃક્ષારોપણની કોઈ જ તપાસ કરતું નથી
રાજકોટ મહાનગરપાલિકા અને ‚ડા વિસ્તારમાં નવાં બિલ્ડીંગ પ્રોજેકટ માટે હવે વૃક્ષારોપણનાં નિયમની કડક અમલવારી કરાવવામાં આવશે. વૃક્ષારોપણ નહીં કરનાર બિલ્ડરને કમ્પલીશન સર્ટીફીકેટ આપવામાં નહીં આવે તેવી જાહેરાત આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે. હાલ જે પ્રોજેકટ ચાલુ છે તેમાં આ નિયમની ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવશે નહીં.
તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૯૮૪નાં જીડીસીઆર મુજબ કિચન દીઠ અથાત ફલેટ કે યુનિટ દીઠ એક વૃક્ષ વાવવું ફરજીયાત હતું. દરમિયાન વર્ષ ૨૦૧૭માં અમલમાં આવેલા નવા જીડીસીઆરમાં ૧૦૦ ચોરસ મીટર જમીનમાં એક વૃક્ષ વાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજકોટ અને રૂડા વિસ્તારમાં બનતા અલગ-અલગ બિલ્ડીંગ પ્રોજેકટસમાં બિલ્ડરો પાસેથી વૃક્ષારોપણ માટે વૃક્ષ દીઠ રૂ.૫૦૦ ડિપોઝીટ વસુલ કરવામાં આવે છે. જો બિલ્ડર વૃક્ષારોપણ ન કરે તો આ ડિપોઝીટની રકમ જપ્ત કરી લેવામાં આવે છે.
ડિપોઝીટની રકમ ખુબ જ નજીવી હોય કોઈપણ બિલ્ડર આ ડિપોઝીટ પરત લેવા માટે કયારેય અરજી કરતા નથી. પરીણામે વૃક્ષારોપણનાં નિયમનું કયારેય ચુસ્તપણે પાલન થતું નથી.હાલ ઉનાળાની ગરમીમાં તાપમાનનો પારો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી જવા પામ્યો છે. ગ્લોબલ વોમિર્ંગ અને વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ જ બચ્યો છે ત્યારે હવે મહાપાલિકા અને રૂડા વિસ્તારમાં નવા બિલ્ડીંગ પ્રોજેકટમાં વૃક્ષારોપણનાં કાયદાની કડકમાં કડક અમલવારી કરવામાં આવશે. નિયમ મુજબ વૃક્ષ નહીં રોપવામાં આવ્યા હોય તો બિલ્ડરોને કમ્પલીશન સર્ટીફીકેટઆપવામાં આવશે નહીં.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના હોદેદારો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે માસનો સમય આપવામાં આવ્યો છે. હયાત જે પ્રોજેકટ ચાલુ છે તેમાં વૃક્ષારોપણ માટેનાં નિયમની કડક અમલવારી કરવામાં આવશે નહીં પરંતુ હવે નવાં જે પ્રોજેકટ મુકાશે તેમાં જો વૃક્ષારોપણનાં નિયમનું પાલન કરવામાં નહીં આવ્યું હોય તો કમ્પલીશન સર્ટીફીકેટ અટકાવી દેવા સુધીનાં કડક પગલા લેવામાં આવશે.
કોર્પોરેશનની અલગ-અલગ આવાસ યોજના સહિતનાં પ્રોજેકટ અને તમામ સરકારી કચેરીઓનાં બિલ્ડીંગનાં પ્રોજેકટમાં વૃક્ષારોપણ ફરજીયાત કરી દેવામાં આવશે. જરૂર પડશે તો ડિપોઝીટ અને દંડની રકમમાં પણ વધારો કરાશે.