- રાશિ પ્રમાણે વૃક્ષ વાવવાથી, પૂજા કરવાથી, પાણી પીવડાવવાથી વ્યકિતના જીવન સાથે જોડાયેલા તમામ કષ્ટો દૂર થાય છે
- દરેક ધર્મમાં વૃક્ષોને ભગવાનની જેમ પુજનીય અને પવિત્ર માનવામાં આવ્યા છે. હિંદુ ધર્મ અનુસાર વૃક્ષોમાં દેવી અને દેવતાઓનો વાસ હોય છે. જેની પૂજા કરવાથી, વાવવાથી, પાણી પાવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલા તમામ કષ્ટો દૂર થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે. વૃક્ષના મૂળથી માંડી પાંદડા, ફળ અને બીજ સુધી દરેકમાં અલગ અલગ ઈશ્વરનો વાસ છે આપણે મુખ્ય ગણાતા વૃક્ષોનું ધાર્મિક મહત્વ જાણીએ.
પીપળો: ધર્મગ્રંથોમાં પીપળાના વૃક્ષને પવિત્ર અને પુજનીય માનવામાં આવે છે. પીપળાના વૃક્ષમાં મુળથી લઈને પાંદડા સુધી દેવી-દેવતાઓનો વાસ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પાર્થ હું વૃક્ષોની વચ્ચે હું પીપળો છું ભગવાન બુધ્ધને પીપળાના વૃક્ષ નીચે બેસી આત્મબોધ થયો હતો. પીપળાના વૃક્ષમાં પિતૃઓનો પણ વાસ છે. પિતૃઓને તૃપ્ત કરવા પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. શ્રાધના 15 દિવસો દરમિયાન પીપળાના વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ અને મુક્તિ મળે છે. વ્યકીતને જયારે શનિદેવની પનોતી હોય ત્યારે 1 પીપળો વાવી તેને નિયમિત પાણી પાવાથી શનિ દોષ દૂર થાય છે.
વડનું વૃક્ષ – : વડના વૃક્ષને પણ ધર્મગ્રંથોમાં અતિ પવિત્ર વૃક્ષ ગણવામાં આવ્યું છે. તેની છાલમાં ભગવાન વિષ્ણુ, મૂળમાં બ્રહ્મા અને ડાળીઓમાં શિવ ભગવાન બિરાજમાન છે. એટલે આ વૃક્ષમાં ત્રિદેવનો વાસ છે. તીર્થંકર ઋષભદેવ એ અક્ષય વડની નીચે તપસ્યા કરી હતી. આ સ્થળ પ્રયાગમાં ઋષભદેવ તપસ્થળ નામથી ઓળખાય છે. આ વૃક્ષ દિવસમાં 20 કલાક થી વધારે સમય ઓક્સિજન આપે છે. વડના વૃક્ષને વાવી તેને નિયમિત પાણી પાવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે, વ્યક્તિનુ આયુષ્ય વધે છે અને વ્યક્તિ મોલને પાત્ર બને છે. ભગવાન શિવના દર્શન કરવા જેટલું જ મહત્વ વડના વૃક્ષના દર્શન કરવાનું શુભ માનવામાં આવે છે.
બીલીનું વૃક્ષ : બીલીના વૃક્ષને પણ શાસ્ત્રોમાં ખૂબ જ શુભ ગણવામાં આવ્યું છે. તેના પાન બીલીપત્ર ભગવાન શિવને અતિ પ્રિય છે. દરરોજ ભગવાન શિવને બીલીપત્ર ચડાવવાથી અનેકગણુ પુણ્ય મળે છે. આ વૃક્ષના ત્રણ પાંદડા ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતિક છે. બીલીપત્ર વગર ભગવાન શિવની પૂજા અધુરી ગણાય છે. શિવજી પર જળનો અભિષેક કરી બીલીપત્ર ચડાવવાથી શીવજી પ્રસન્ન થાય છે. શિવપુરાણમાં બીલીના વૃક્ષને શિવજીનું રૂપ માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન 11 બીલીના વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેને નિયમિત પાણી પાવાથી વ્યક્તિને શિવજીના આશિર્વાદ મળે, જીવનના તમામ સંકટો દૂર થાય છે. બીલી વૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે. શ્રીદેવી લક્ષ્મીનું જ એક નામ છે. બીલીના વૃક્ષની પુજાથી માતા લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. અને મનુષ્ય ધનવાન થાય છે. બીલીના વૃક્ષના મુળમાં ગિરીજા, થડમાં મહેશ્વરી, ડાળીઓમાં દક્ષાયણી, પાંદડાઓમાં શિવ-પાર્વતી, ફુલોમાં ગૌરી અને ફળોમાં દેવી કાત્યાયની વાસ કરે છે. આ કારણે જ આ વૃક્ષને દૈવીય વૃક્ષ કહે છે.
શમી (ખીજડો) : હિંદુ શાસ્ત્રમાં શમીનું વૃક્ષ શનિદેવ સાથે જોડાયેલું છે. અને તેનું મહત્વ અનેરૂ છે. શનિદેવની ખરાબ અસર માનવીય જીવનમાં ઘણી આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ લાવે છે. શનિદેવની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શમીના વૃક્ષને ઘરના આંગણામાં કે ઘરની આસપાસ ઉછેરવાનું અનન્ય મહત્વ આપણા શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે. શમીના વૃક્ષને નિયમિત પાણી પાઈને ઉછે2વાથી શનિદેવની હકારાત્મક ઉર્જા તેમજ શનિદેવની અમિદ્રષ્ટિ આર્થિક સમૃધ્ધીમાં વિશેષ વધારો કરે છે. તેમજ શમી વૃક્ષના દર્શન માત્રથી દોષોનું નિવારણ થાય છે. આપણા ધાર્મિક ગ્રંથો મુજબ શમી વૃક્ષની પૂજા રામાયણમાં શ્રી રામ એ યુધ્ધ પહેલા કરી હતી અને મહાભારતમાં અર્જુન એ તેમના દિવ્યશસ્રો અને ગાંડીવ શમી વૃક્ષમાં છુપાવ્યા હતા.
લીમડાનું વૃક્ષ : લીમડાના વૃક્ષ પર શીતળામાતા અને દુર્ગામાતાનો વાસ છે. મંગળવારે લીમડાના વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેને જળ ચડાવી પૂજા કરવામાં આવે અને તેનો ઉછેર કરવામાં આવે તો તમામ પ્રકારની માનસિક અને શારિરીક વ્યાધી દૂધ થાય છે. હનુમાનજીની કૃપા સદાય બની રહે છે. લીમડાના વૃક્ષને પાણી પાતી વખતે ઓમ શીતાળમાતા નમ: ના નામનો મંત્ર બોલતા જવાથી શરીરના રોગો દૂર કરી શરીરને સ્વસ્થ બનાવશે અને જીવનમાં સુખ સમૃધ્ધિ પણ રહે છે. લીમડાના વૃક્ષને ભારતના કેટલાક પ્રદેશોમાં નીમરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષ ચમત્કારીક ઔષધીય ગુણોથી ભરપુર છે. વધુ વૃક્ષ વિશે હવે પછી.