- પર્યાવરણ સુરક્ષા માટેની મારો, તમારી અને આપણી ફરજો વિશે ગુરુદેવની શિખામણ
પર્યાવરણ એ આપણું પ્રથમ શરીર છે, જ્યાંથી આપણને ખોરાક મળે છે. પર્યાવરણમાંથી આપણી પાંચ ઇન્દ્રિયો માટે આપણે ખોરાક મેળવીએ છીએ. આપણું સમગ્ર જીવન ખોરાક, સ્વચ્છ પાણી, શુદ્ધ હવા અને અગ્નિ પર નિર્ભર છે. આ બધું આપણને પૃથ્વી તત્વ, જળ તત્વ, વાયુ તત્વ અને અગ્નિ તત્વ માંથી મળે છે. આ ચારેય તત્ત્વો આકાશ તત્વમાં રહે છે. તેથી, આપણે આ પાંચ ભૂતોનો આદર કરવો જોઈએ અને તેમને શુદ્ધ રાખવા જોઈએ. તો જ જીવનમાં સુખી રહી શકીશું અને તો જ આ સંસાર ટકી શકશે.આપણે સૌએ પર્યાવરણના રક્ષણ માટે કામ કરવું જોઇએ. કુદરત પોતાને નવજીવન આપશે પરંતુ તેના માટે આપણે કેટલીક બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ તેથી જંતુનાશકો અને હાનિકારક રાસાયણિક ખાતરો ઉમેરીને જમીનને પ્રદુષિત ન કરો.
તમે જે આજે સ્ટોર્સમાં જુઓ છો, તેને કાલે જ્યારે તમે ખાશો ત્યારે તે તમારા શરીરનો અંશ બની જશે. આજે આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા દાયકાઓથી આપણે અનેક પ્રકારના રાસાયણિક ખાતરો ઉમેરીને આપણી જમીનને બગાડી રહ્યા છીએ. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે માત્ર એટલું જ નહીં પરંતુ રાસાયણિક ખેતીને કારણે જમીનને થતા નુકસાનમાં પણ ઘટાડો થયો છે.
તેવી જ રીતે, પાણીમાં પ્રદૂષિત વસ્તુઓ અને રસાયણો ઉમેરીને તેને દૂષિત કરશો નહીં. જો તમારે જમીનમાં પાણીનું સ્તર વધારવું હોય તો વૃક્ષો વાવો અને તેની સાથે પાણીના સ્ત્રોતની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું જોઈએ. જો આપણે નદીઓ અને તળાવોને બચાવવા માંગતા હોઈએ તો તેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રાચીન ભારતમાં પર્યાવરણને ઈશ્વર તરીકે પૂજતા હતા. વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ પર્વતો, પૃથ્વી, નદીઓ અને વૃક્ષોની પૂજા કરતી હતી. તેઓ આ બધાને ખૂબ જ પવિત્ર માનતા હતા.