ચાલુ વર્ષના અંતમાં મહાપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય લોકોને આકર્ષવા બજેટમાં યોજનાઓ મુકાય તેવી પ્રબળ સંભાવના
રાજકોટ મહાપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય અંદાજપત્ર ગત ૧લી ફેબ્રુઆરીના રોજ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. રૂા.૨૧૧૯.૯૮ કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર એક પણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો ની. તો બજેટમાં એવી કોઈ ખાસ યોજનાઓ પણ નથી મુકાઈ જેનાથી શહેરીજનો આકર્ષાય. બજેટ રજૂ યા બાદ સ્ટેન્ડિંગ કમીટીએ સતત પાંચ દિવસ સુધી અભ્યાસ કર્યા બાદ બ્લેક એન્ડ વ્હાઈટ ગણાતા બજેટમાં રંગપૂરણી કરી છે. આગામી સોમવારે સવારે ૧૧ કલાકે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા બજેટને બહાલી આપવામાં આવશે. ચાલુ સાલના અંતમાં મહાપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય લોકોને આકર્ષવા માટે બજેટમાં નવી નવી યોજના મુકવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે વાસ્તવિક બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં કોઈ ખાસ નવી જાહેરાત કરાઈ નથી. ટ્રાફિકને પ્રાયોરીટી આપવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સમગ્ર તંત્ર અંત સુધી જોડાયેલું રહ્યું હોવાના કારણે બજેટને ગત વર્ષની કોપી પેસ્ટ કરવામાં આવ્યું હોય તેવું પણ કહેવામાં આવે તો અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે એવી પરંપરા રહેતી હોય છે કે, મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફટ બજેટમાં વેરો વધારવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવે છે. તો શાસકો પ્રજામાં સારા થવા માટે આ દરખાસ્તો ફગાવી દેતા હોય છે. પરંતુ આ વર્ષે કરબોજ વિહોણુ બજેટ રજૂ કરાયું હોય એટલે શાસકોને કરબોજ ફગાવી જશ ખાટવાની કોઈ તક મળશે નહીં.
દરમિયાન સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે એવો અનદેશો આપ્યો હતો કે, મહાપાલિકાના ઈતિહાસમાં ક્યારેય રજૂ કરવામાં આવેલ ન હોય તેવું આ બજેટ રહેશે. તેઓનું આ અંતિમ બજેટ છે. છેલ્લી ચાર ટર્મથી તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટણી લડે છે અને બે વખત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, એક વખત મેયર અને એક વખત ડે.મેયર રહી ચૂકયા છે. તેઓ હવે ચૂંટણી લડશે નહીં તેવી પણ જાહેરાત કરી ચૂકયા છે. આવામાં પોતાના ચેરમેન-કોર્પોરેટર તરીકેના કાર્યકાળનું અંતિમ બજેટ ટનાટન આપવાના પ્રયાસો કરે તેવું લાગી રહ્યું છે. બજેટમાં તમામ વર્ગના લોકો માટે યોજનાઓમાં મુકવામાં આવશે. સ્માર્ટ સિટીને પ્રાધાન્ય અપાશે અને બજેટને ચૂંટણીલક્ષી ટચ આપવામાં આવશે. બીપીએમસી એકટના નિયમ મુજબ ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવું પડે છે. જો આવું ન થાય તો કમિશનરે રજૂ કરેલ બજેટ આપોઆપ અમલમાં આવી જાય છે. ૧૦મીએ સવારે ૧૧ કલાકે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બજેટને મંજૂરીની મહોર માર્યા બાદ ચેરમેન પત્રકાર પરિષદને સંબોધશે અને બજેટમાં મુકવામાં આવેલી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપશે. મેયર બિનાબેન આચાર્ય દ્વારા બજેટને આખરી મંજૂરી માટે સંભવત: ૧૮ કે ૧૯ ફેબ્રુઆરીના રોજ જનરલ બોર્ડ બેઠક બોલાવવામાં આવશે.
૧ બીએચકેના ૫૪૨ આવાસ માટે ૧૦,૦૦૦ ફોર્મ ઉપડ્યા
૫૦૫ ફોર્મ ભરાઈને પરત આવ્યા: મહાપાલિકાને રૂા.૧૦.૫૭ લાખની આવક
કોર્પોરેશન દ્વારા ગત ૧લી એપ્રિલી ઈડબલ્યુએસ-૨ કેટેગરીના આવાસ માટે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી ૧૫મી ફેબ્રુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ૫૪૨ આવાસ માટે ૧૦,૦૦૦થી પણ વધુ ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ મહાપાલિકાના તમામ સીવીક સેન્ટરો અને આઈસીઆઈસીઆઈ બેંકની ૧૩ શાખાઓ મારફત ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ૧૦,૦૦૦થી વધુ ફોર્મ ઉપડ્યા છે અને ૫૦૫ ફોર્મ ભરાઈ પરત આવી ચૂકયા છે. ફોર્મ પરત આવતા મહાપાલિકાને રૂા.૧૦.૫૭ લાખની આવક થવા પામી છે. સીવીક સેન્ટરમાંથી ૨૯૯૩ ફોર્મ લાર્ભાથીઓએ ઉપાડ્યા છે. અલગ અલગ કેટેગરી માટે પ્રથમ વખત અલગ અલગ સમય મર્યાદામાં ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લાર્ભાીને પણ કેટેગરી મુજબ ફોર્મ ઉપાડવા અપીલ કરવામાં આવી છે.
સ્માર્ટ ઘર આવાસ યોજનાની ૩૬ દુકાનો અને ૨ હોલ માટે બુધવારે હરરાજી
કોર્પોરેશન દ્વારા શહેરના મવડી વિસ્તારમાં આયરલેન્ડ રેસીડેન્સી પાછળ અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ બનાવવામાં આવેલા સ્માર્ટ ઘર ૧ અને ૩ આવાસ યોજનાને શ્રી લક્ષ્મણ ટાઉનશીપ અને શ્રી રામ ટાઉનશીપ નામ આપવામાં આવ્યા છે. જેમાં અનુક્રમે ૩૬ દુકાન અને ૨ હોલ માટે આગામી બુધવારે લક્ષ્મણ ટાઉનશીપ ખાતે સવારે ૯ કલાકી જાહેર હરરાજી હાથ ધરવામાં આવશે. લક્ષ્મણ ટાઉનશીપની ૩૪ દુકાનો માટે રૂા.૯.૮૦ લાખથી લઈ ૧૬.૪૦ લાખ અપસેટ કિંમત રાખવામાં આવી છે. જ્યારે શ્રી રામ ટાઉનશીપની ૨ દુકાનો માટે રૂા.૨૨.૨૦ લાખથી લઈ રૂા.૨૨.૫૦ લાખ સુધીની અપસેટ કિંમત જયારે થર્ડ ફલોર પર આવેલા ૨ હોલ માટે રૂા.૮૦.૬૦ થી લઈ ૮૫ લાખ સુધીની અપસેટ કિંમત રાખવામાં આવી છે. હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ ૧ લાખ રૂપિયા રોકડા અવા રાજકોટ મહાનગરપાલિકાના નામનો ડ્રાફટ સ્થળ પર જમા કરાવવાનો રહેશે.